
ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણીના ભાગરૂપે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગની 15 ટીમોએ ચોમાસા દરમિયાન વાહકજન્ય રોગોનું સંક્રમણ અટકાવવા નવા અને જૂના સચિવાલય તેમજ કર્મયોગી ભવનમાં સઘન કામગીરી કરી છે. જૂના સચિવાલયના 28 બ્લોકમાં આવેલી 95 કચેરીઓની મુલાકાત લેવામાં આવી હતી. ટીમે 56 એર કુલરમાંથી પાણી ખાલી કરાવ્યું હતું. ચોમાસા દરમિયાન કુલરમાં પાણી ન ભરવાની સૂચના આપવામાં આવી છે. પરિસરમાંથી 78 પક્ષીકુંજ દૂર કરવામાં આવ્યા છે.
20 બ્લોક્સની અગાસી પર તપાસ કરી પાણીના નિકાલ માટેના બ્લોક થયેલા આઉટલેટ્સ ખોલવામાં આવ્યા છે. કેન્ટીનની અગાસી પરથી મોટા પ્રમાણમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. બ્લોક 20ની અગાસી પરથી ભંગાર અને તૂટેલી સોલાર પેનલો હટાવવામાં આવી છે. કર્મયોગી ભવનના ત્રણ બ્લોક્સની અગાસી અને કચેરીઓની તપાસ કરવામાં આવી છે. અહીં પણ તૂટેલા ટાંકાઓનો ભંગાર, પક્ષીઓના કુંડા દૂર કરવામાં આવ્યા છે. બંને ભવનોમાં વાહકજન્ય રોગો અંગે જાગૃતિ માટે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. લિફ્ટના દરવાજા અને નોટિસ બોર્ડ પર સ્ટીકી બેનર્સ લગાવવામાં આવ્યા છે. સચિવાલય પરિસરના ખાડા-ખાબોચિયા અને રસ્તાની બાજુમાં ભરાયેલા પાણીમાં 25 લીટર બળેલું ઓઈલ છાંટવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ આગામી સમયમાં અન્ય સરકારી ભવનોમાં પણ આવી કામગીરી કરશે.