
મંગળવારે સુરક્ષામાં ખામીને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન ‘વ્હાઇટ હાઉસ’ને લોકડાઉન કરવું પડ્યું હતું. વાસ્તવમાં કોઈએ વ્હાઇટ હાઉસની સેફ્ટી ફેંસ (સુરક્ષા વાડ) ઉપરથી ફોન ફેંક્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મીડિયાને જણાવ્યું હતું કોઈએ તેનો ફોન સેફ્ટી ફેંસ ઉપરથી ફેંકી દીધો હતો. આ પછી તરત જ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યાં હતાં. પત્રકારોને તાત્કાલિક જેમ્સ બ્રેડી બ્રીફિંગ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા અને પેન્સિલવેનિયા એવન્યુને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી હતી, જોકે ભારતીય સમય મુજબ રાત્રે 09:26 વાગ્યે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. વ્હાઇટ હાઉસે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. આ ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જ હતા અને પેન્સિલવેનિયા જવાની તૈયારી કરી રહ્યા હતા, જોકે આ ઘટનાથી તેમના કાર્યક્રમ પર કોઈ અસર પડી ન હતી અને તેઓ સમયપત્રક મુજબ પેન્સિલવેનિયા જવા રવાના થયા હતા.