
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર, ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી 15 જુલાઈના રોજ ચીનના તિયાનજિનમાં સામસામે આવ્યા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પહેલગામ હુમલાની નિંદા કરી હતી. જયશંકરે કહ્યું કે આ હુમલો જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન અર્થતંત્રને નુકસાન પહોંચાડવા અને ધાર્મિક ભાગલા પાડવાનો હતો. તેમણે SCOને આતંકવાદ સામે કડક વલણ અપનાવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે SCOની રચના ત્રણ દુષ્ટતાઓનો સામનો કરવા માટે કરવામાં આવી હતી, તે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે હુમલા માટે જવાબદાર લોકોને સજા થવી જોઈએ.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- એ મહત્વનું છે કે SCO આતંકવાદ પર સમજુતી ન કરે. ભારત-પાકિસ્તાન વિવાદ ઉપરાંત, જયશંકરે અફઘાનિસ્તાનનો મુદ્દો પણ ઉઠાવ્યો અને SCO સભ્યોને વિકાસ સહાય વધારવા વિનંતી કરી, જેના માટે ભારતે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારતે SCOમાં સ્ટાર્ટઅપ્સ અને નવીનતાથી લઈને પરંપરાગત દવા અને ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ સુધીના ઘણા ક્ષેત્રોમાં અનેક પહેલ કરી છે. આ પહેલા, વિદેશ મંત્રી જયશંકર મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. તેમણે બેઇજિંગમાં ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લીધો હતો. જયશંકરની આ મુલાકાત છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રીની ચીનની પ્રથમ મુલાકાત છે.
બીજી તરફ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે નક્કર તપાસ વિના પહેલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવવા બદલ ભારતની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આનાથી પ્રદેશમાં ગંભીર સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ છે. ડારે યુદ્ધવિરામ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, પરંતુ લશ્કરી બળના મનસ્વી ઉપયોગ સામે ચેતવણી આપી. ડારે કહ્યું કે પ્રાદેશિક સ્થિરતા માટે સંવાદ અને રાજદ્વારી જરૂરી છે. તેમણે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાની વિદેશ મંત્રી- ભારતે તપાસ કર્યા વિના આરોપો લગાવ્યા; ચીનના વિદેશ મંત્રી સાથે વેપાર અને પર્યટન પર ચર્ચા, જયશંકરે કહ્યું- ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા છે : SCOએ આતંકવાદ પર સમજુતી ન કરવી જોઈએ. બેઇજિંગમાં થયેલી બેઠક દરમિયાન, વિદેશ મંત્રી જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે વેપાર અને પર્યટન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉઠાવ્યા. તેમણે ચીન દ્વારા લાદવામાં આવેલા એક્સપોર્ટ નિયંત્રણો અને વેપાર પ્રતિબંધો પર ચિંતા વ્યક્ત કરી. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે ચીને એવા પગલાં ટાળવા જોઈએ જે ભારતના ઉત્પાદન ક્ષેત્રને નુકસાન પહોંચાડી શકે. આ સાથે, તેમણે ભારત અને ચીનના લોકો વચ્ચે સંપર્ક વધારવા પર ભાર મૂક્યો. તેમણે મુસાફરીને સરળ બનાવવા, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમનું માનવું છે કે આનાથી બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ અને વિશ્વાસ વધશે.
સોમવારે વિદેશ મંત્રી જયશંકર અને વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં જયશંકરે કહ્યું-“ઓક્ટોબર 2023માં કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પછી ભારત-ચીન સંબંધોમાં સતત સુધારો થઈ રહ્યો છે. બંને દેશોએ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કર્યા છે”. જયશંકરે હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જટિલ ગણાવી અને કહ્યું કે ભારત અને ચીન જેવા મોટા પડોશી દેશો વચ્ચે ખુલ્લી વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ચીનના ઉપરાષ્ટ્રપતિને કહ્યું કે ભારતમાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.