
વડોદરામાં વ્યાજખોર મા-દીકરાએ માનવતા નેવે મૂકી છે. માંજલપુર વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા વિધવા મહિલાએ ભત્રીજીના લગ્ન અને 25 વર્ષના દીકરાની વરસી માટે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 1.40 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર માતા-પુત્રએ મહિલાના માનસિક અસ્વસ્થ દીકરાને ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દીધું હતું. છેલ્લા ત્રણ મહિનાથી યુવકને ઘરમાં પૂરેલો હતો. આ દરમિયાન વિસ્તારમાં રહેતા એક યુવકે આવીને તેમના દીકરાને મુક્ત કરાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ મામલે માંજલપુર પોલીસે માતા-પુત્ર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. મહિલાએ વ્યાજખોર માતા-પુત્રના અમાનુષી અત્યાચાર અંગે રડતા રડતા કહ્યું કે ઉઘરાણીએ આવે ત્યારે મા-દીકરો મને ચપ્પલે ચપ્પલે મારે છે, બીજા 1 લાખ માંગે છે, હું ક્યાંથી લાવું? મારે છતાં ઘરે બહાર ભટકવું પડે છે.
માંજલપુર વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા રમીલાબેન બજાણીયાએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં મારી ભત્રીજી સાધનાબેનના લગ્ન માટે મેં શારદાબેન દાવા અને તેમના પુત્ર નરેન્દ્ર દાવા (રહે. સોમનાથનગર, તરસાલી, વડોદરા) પાસેથી 70,000 રૂપિયા ઉધાર લીધા હતા. ત્યારબાદ, મારો 25 વર્ષનો નાનો પુત્ર દિનેશ મૃત્યુ પામ્યો, તેની વરસી માટે મેં વધારાના 30,000 રૂપિયા ઉધાર લીધા હતા. મેં આ બંને રકમના વ્યાજ સાથે કુલ 1,40,000 રૂપિયા તેમને પરત કરી દીધા છે. તેમ છતાં, શારદાબેન અને નરેન્દ્ર વ્યાજની ગણતરી કરીને વધુ 1,00,000 રૂપિયાની માંગણી કરે છે.
પૈસાની સગવડ ન હોવાથી મેં આ રકમ આપી નથી. ત્રણ મહિના પહેલાં શારદાબેન અને નરેન્દ્ર મારા ઘરે આવ્યા, મારા 35 વર્ષના દીકરાને ઘરમાં પૂરી દઈને બહારથી તાળું મારી દીધું અને ચાવી લઈને જતા રહ્યા હતા. તેમણે મારા મકાનના કાગળો અને પાવતીઓ પણ લઈ લીધી હતી. જતાં જતાં તેમણે મને ધમકી આપી કે, પૈસા નહીં આપો તો તને અને તારા પુત્રને જાનથી મારી નાખીશ. ત્યારબાદ હું લોખંડના ગ્રીલવાળા દરવાજામાંથી મારા દીકરાને ખાવાનું આપતી હતી.
તા. 14/07/2025ના રોજ રાત્રે 9 વાગ્યે નરેન્દ્ર ફરી મારા ઘરે આવ્યો અને પૈસાની સગવડ થઈ કે નહીં તે પૂછીને માર મારવાની ધમકી આપીને ચાલ્યો ગયો હતો. મેં આજદિન સુધી પોલીસને જાણ કરી નહોતી. પરંતુ રવિરાજસિંહ રમેશભાઈ સોલંકી (રહે.: માંજલપુર, નવાપુરા ફળિયું, વડોદરા)ને જાણ કરતાં તેમણે મારા ઘરનું તાળું તોડી મારા દીકરાને બહાર કાઢ્યો હતો.
આ મામલે માંજલપુર પોલીસે આરોપી માતા-પુત્ર શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા સામે ન્યાય સંહિતાની કલમ 208(2),127(2) તથા નાણા ધીરધાર કલમ 40,42,44 મુજબ ગુનો દાખલ કર્યો છે તેમજ શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવાની ધરપકડ કરી છે.
વિધવા મહિલા રમીલાબેન બજાણીયા રડતા રડતા જણાવ્યું હતું કે, મેં એ લોકો પાસેથી ₹70,000 લીધા હતા અને હું દર મહિને તે લોકોને 10,000 રૂપિયા વ્યાજ આપતી હતી. થોડા સમયથી વ્યાજ આપવાનું બંધ કર્યું એટલે મારા દીકરાને 3 મહિનાથી ઘરમાં પૂરી દીધો હતો. એ લોકોને બીજા એક લાખ રૂપિયા જોઈએ છે તે હું ક્યાંથી લાવું. મારા છોકરાને છેલ્લા ત્રણ મહિનાથી મકાનની અંદર પૂરેલો છે. તેને ખાવાનું પણ હું બહારથી જ આપી દઉં છું. એ લોકો જ્યારે આવે છે ત્યારે મારીને જતા રહે છે. બંને માં અને દીકરો મને ચપ્પલે ચપ્પલે મારે છે. મારે કોને કહેવાનું? મારુ અને મારા દીકરાનું આ દુનિયામાં કોઈ નથી. આજુબાજુના લોકો અમને ખવડાવે છે.
આ મામલે રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિધવા મહિલા અને તેમના પુત્ર પર અત્યાચાર કરવામાં આવ્યો છે. બજાણીયા વાસના સ્થાનિક યુવકે મને ફોન કર્યો હતો કે, અહીં ત્રણ મહિનાથી એક યુવકને ઘરમાં પૂરી રાખવામાં આવ્યો છે અને વ્યાજખોર માતા-પુત્ર મહિલાને ચપ્પલથી મારે છે. જેથી હું પહોંચી ગયો હતો અને ત્યાં જઈને જોયું તો યુવકને ઘરમાં પૂરી રાખવામાં આવ્યો હતો અને બહાર બે તાળા મારવામાં આવેલા હતા. આ મહિલા વિધવા છે અને ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ દ્રશ્ય જોઈને હું ખૂબ દુઃખી થયો હતો. આવા વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે આવા વ્યાજખોરોને માથામાં ટકો કરીને તેમનો વરઘોડો કાઢવો જોઈએ.
એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશના ભાગરૂપે બંને વ્યાજખોર માતા-પુત્ર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.