સુરત પાટીદાર યુવતી આપઘાત કેસ, આરોપી પુત્રની અટકાયત-પિતાની ધરપકડ:

Spread the love

 

સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડીયાના આપઘાત મામલે પોલીસ તંત્રે તપાસનો દોર તેજ કર્યો છે. આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે પિતાની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઇલ ટેકનિકલ વિશ્લેષણ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે, જેથી મેસેજ, કોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે. આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા છે. નેનુ વાવડીયાએ આપઘાત કર્યા બાદ પરિવારજનોએ મિત (નામ બદલેલું છે) નામનો યુવક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક મિત અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.
કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે મૃતક નેનુ રજનીભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી. પિતા બાંધકામનો કામધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રજનીભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાં સૌથી મોટો દીકરો યશ (ઉં.વ. 22) હીરાના ખાતાની ઓફિસમાં કામ કરે છે. તેનાથી નાની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લાં બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યૂશન કલાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. પિતા રજનીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 13 જુલાઈના રોજ સાંજના સમયે હું આંબા તલાવડી પાસે મારા કામેથી બેઠો હતો. એ વખતે મારા દીકરા યશનો ફોન આવ્યો અને મને તાત્કાલિક ઘરે આવવા કહ્યું હતું. હું ઘરે પહોંચ્યો ત્યારે આસપાસના લોકો ઘરે ભેગા થઈ ગયા હતા. મેં ઘરમાં જઇને જોતાં મારી દીકરી નેનુ હોલમાં બેભાન હાલતમાં સૂતેલી હતી. મેં આ બાબતે દીકરાને પૂછતાં તેણે જણાવ્યુ હતું કે હું ઘરે આવ્યો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહીં, જેથી આજુબાજુવાળાને જાણ કરી ગેલરીમાંથી જઈ હોલમાં જોતાં નેનુ બહેને સાડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. બાદમાં થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી જતાં કર્મચારીએ મારી દીકરીની તપાસ કરીને સ્મિમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે દીકરીને તપાસી મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ પોલીસ આવી જતાં મારી દીકરીને પીએમ રૂમમાં લઇ ગયા હતા. બાદમાં પીએમ પૂર્ણ થતાં અમને મૃતદેહ સોંપતાં 14 જુલાઈએ દીકરીની અંતિમવિધિ પૂર્ણ કરી હતી.
પિતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે આજથી આશરે છ કે સાતેક માસ પહેલાં હું મારા ઘરે બપોરના સમયે હાજર હતો અને મારી દીકરી નેનુ અને પત્ની પણ ઘરે હાજર હતા. આ સમયે મારી દીકરીના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા હતા, જે મારી દીકરી રિસીવ કરતી ન હતી, જેથી મેં તેને પૂછ્યું કે કોણ ફોન કરે છે, જેથી તેણે જણાવ્યું કે મિત નામનો છોકરો મને ફોન કરે છે, જેથી મેં તેને ફોન કરી મોબાઇલ ફોન સ્પીકરમાં કરી વાત કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ મારી દીકરીએ આ નંબર પર ફોન કરતાં એક છોકરો મારી દીકરી સાથે એલફેલ ભાષામાં વાત કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો, જેથી મેં ફોન લઈ વાત કરતાં આ છોકરાએ તરત ફોન કટ કરી નાખ્યો હતો. ત્યાર બાદ મેં મારા ફોનમાંથી આ છોકરાને સામેથી ફોન કરતાં તેણે કોલ રિસીવ કર્યો નહીં. આ મિત વિશે મેં મારી દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ છોકરો મારા ટ્યૂશન કલાસ પર છેલ્લા ઘણા સમયથી આવે છે અને મારી સાથે મિત્રતા કેળવવા બળજબરીપૂર્વક પ્રયાસો કરતો હતો અને મારો પીછો કરતો હતો. તે સંબંધ રાખવા પણ બળજબરીથી દબાણ કરતો હતો. મારો મોબાઈલ નંબર મેળવી મને ફોન કરે છે અને પરેશાન કરે છે. આ વાત મને રડતાં રડતાં કરતાં મેં અને મારા પત્નીએ મારી દીકરીને સાંત્વના આપી અને કોઇ ચિંતા ન કરવા જણાવ્યું હતું.
ત્યાર બાદ સાંજના સમયે મેં મારી દીકરી જે ટયૂશન કલાસીસમાં નોકરી કરવા જાય છે ત્યાંના સંચાલકને ફોન કરી મારી દીકરીને મિત નામનો છોકરો હેરાન કરે છે એ બાબતે વાત કરી હતી, સાથે જ મિત કે તેના પિતાનો મોબાઇલ નંબર હોય તો આપવા જણાવ્યુ હતું. જેથી મને તેના પિતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. બાદમાં મેં તેના પિતાને ફોન કરીને તેનો દીકરો મારી દીકરીને પરેશાન કરે છે એ બાબતની વાત કરી હતી, જેથી તેના પિતા મારી સાથે ઉગ્ર ભાષામાં વાત કરી મને અપશબ્દો બોલ્યા કે મારા દીકરાની કોઇ ભૂલ નથી. તમે અમારી સાથે ખોટી વાત ન કરો. તમારો દીકરો મારી દીકરી સાથે બળજબરી કરે છે એવી વાત કરતાં તે એકદમ ખરાબ ભાષામાં બોલવા લાગ્યો કે મારો છોકરો કરશે જ, તમારે થાય એ કરી લેજો. મને એવું પણ કહ્યું કે બહુ વધારે નહીં બોલવાનું, અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ. આમ ઘણી લાંબી વાત ચાલેલી પછી મેં ફોન મૂકી દીધો હતો. ત્યાર બાદ મેં મારી દીકરીને કહ્યું હતું કે જો તે પીછો કરી હેરાન કરતો હોય તો આપણે ટયૂશન કલાસીસમાં જવું નથી, એ વખતે મારી દીકરીએ કહ્યું કે મને નોકરી કરવા દો, હવે પછી તે હેરાનપરેશાન કરશે તો ઘરે જાણ કરી દઈશ.
દીકરા યશે પણ પિતાને જણાવ્યું હતું કે આજથી એકાદ વર્ષ પહેલાં મેં નેનુબેનનો ફોન જોવા માટે લીધો હતો, જેમાં ટેલિગ્રામ નામની એપ્લિકેશન હતી, જે મે ચેક કરતાં તેની ચેટ મેં વાંચી હતી, જેમાં એક છોકરો મારી બેન સાથે ખરાબ ભાષામાં મેસેજ કરતો હતો અને અપશબ્દો પણ બોલતો હોય એવું વાંચ્યું હતુ. મારી બેન પાસે કોઇ બાબતમાં ત્રીસ હજાર રૂપિયાની માગણી કરી તેને ધમકાવતો હોય એવું પણ મેં વાંચ્યું હતું, જેથી મેં મારાં બેનને પૂછતાં તે ગભરાય ગઈ અને આ માણસ કોણ છે એ બાબતે પૂછતાં મને નેનુબેને જણાવ્યું કે મિત નામનો છોકરો છે, જે મારા ટયુશન કલાસવાળી જગ્યાએ આવે છે અને મને મોબાઇલ ફોન પર વાતો કરી હેરાનપરેશાન કરે છે અને ખોટી રીતે પૈસાની માગણી કરે છે, પરંતુ આ બાબતે તું ઘરમાં કોઇને જાણ કરતો નહીં, મમ્મી-પપ્પાને ખબર પડશે તો મારા પર ગુસ્સે થશે, જેથી મેં મારી બેનના કહેવાથી આ બાબતની ઘરમાં કોઇને જાણ કરી નહોતી.
મારી દીકરી નેનુને તેના નોકરી કરવાના ટયૂશન કલાસના સ્થળે મિત નામનો છોકરો હેરાનપરેશાન કરી પીછો કરી ગેરસંબંધ રાખવા બળજબરી કરતો હતો. ફોન કરી મારી દીકરીને બીભત્સ ગાળો આપતો હતો. તેના પિતાને જાણ કરતાં તેણે પણ તેના દીકરાનું ઉપરાણું લઇ મારા સાથે ગાળાગાળી કરી મદદગારી કરી હતી. મોબાઇલ પર મારી દીકરી પાસે બળજબરીથી રૂપિયા ત્રીસ હજારની માગણી કરી ગાળો આપી હેરાનપરેશાન કરી તેને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી. રજનીભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરીની અંતિમ ઈચ્છા મોપેડ લેવાની હતી. જે દિવસે તેણે આપઘાત કર્યો એ દિવસે સવારે મારો દીકરો એક્સેસ મોપેડ લેવા માટે એસ્ટિમેટ કઢાવવા માટે ગયો હતો. મારી દીકરીએ કહ્યું હતું કે ડિપોઝિટ તમે ભરી દો, ગાડીના હપતા હું ભરીશ. આવી મારી છેલ્લે વાત થઈ હતી, બાકી તો એ બધું મને કહેતી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *