
જામનગર મહાનગરપાલિકાએ કાલાવડ નાકાથી કલ્યાણ ચોક તરફ જતા રસ્તા પર રંગમતી નદી પરનો બ્રિજ જર્જરિત થવાને કારણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ બી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, નવો બ્રિજ બનાવવામાં ન આવે ત્યાં સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. સલામતીના કારણોસર લેવાયેલા આ નિર્ણયનો ભંગ કરનાર વ્યક્તિ સામે બી.પી.એમ.સી. એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. વાહનચાલકો મહાપ્રભુજી બેઠકથી અન્નપૂર્ણા સર્કલ થઈને ત્રણ દરવાજા માર્ગે દરબારગઢ તરફ અવરજવર કરી શકશે.