પોલીસકર્મી નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવે તે સામાન્ય બાબત છે. ગુજરાત અને દેશમાં પણ અનેક આવા ઉદાહરણો છે જેમાં પોલીસકર્મીઓ રાજનેતાઓ બન્યા છે. ગુજરાતના રાજકારણમાં જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાથ અજમાવ્યો છે તેમાં મોટાભાગના અધિકારીઓ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે. તેમના નામ જોઈએ પૂર્વ IPS અધિકારીઓ પી.સી.બરંડા, બી.ડી.વાઘેલા, કુલદીપ શર્મા, ડી.જી.વણઝારા, જસપાલસિંઘ, વી.વી.રબારીના નામ સામેલ છે.
જયારે આપણે પૂર્વ પોલીસ કોન્સટેબલની વાત કરીએ તો તેઓ રાજનીતિમાં ખૂબ સફળ થયા છે. આ નામમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, જેઠા ભરવાડ, ભવાન ભરવાડ અને ગોપાલ ઈટાલિયાના નામ સામેલ છે. આ તમામ પોલીસની નોકરી છોડી રાજકારણમાં જોડાયા હતા અને તેઓને સફળતા મળી છે. ગુજરાતમાં IPS અધિકારીઓની તુલનામાં પોલીસ કોન્સટેબલોએ મેદાન માર્યું છે.
ગોપાલ ઇટાલિયા 16 જુલાઇએ સવારે 11 વાગ્યે સમર્થકોની ઉપસ્થિતિમાં વિધાનસભા પહોંચ્યા હતા, અહીં વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યા હતા.
ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ નવો ઈતિહાસ સર્જી દિધો છે. ગોપાલ ઈટાલિયાએ જંગી લીડથી વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે વિજયી થયા છે. રાજકારણમાં પ્રવેશ પહેલા ગોપાલ ઈટાલિયા પોલીસ કોન્સટેબલ તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા હતા. તેઓ રાજકારણમાં સફળ થયા હોય તેવા પહેલા પોલીસ કર્મચારી નથી. આ પહેલા પણ પોલીસ કર્મચારી રાજકારણમાં સફળ નેતા બની ચૂકયા છે. જેમાં હાલના ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી ચંદ્રક્રાંત પાટીલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, લીંબડીના પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડ પણ પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
ગુજરાતમાં IPS અધિકારી રહી ચૂકેલા જસપાલસિંઘ રાજકારણમાં સફળ રહ્યા હતા. તેઓ કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ કામ કરી ચૂકયા હતા. જોકે DIG તરીકે ફરજ બજાવતા ડી.બી.વાઘેલાએ રાજીનામુ આપી લોકસભાની ચૂંટણીમાં દાહોદ બેઠકથી પોતાની કિસ્મત અજમાવી પરંતુ તેમાં હાર મળી હતી. એવાજ IPS અધિકારી પી.સી.બરંડા પણ વિધાનસભાની ચૂંટણી લડવા માટે રાજીનામુ આપીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા પરંતુ સફળતા મળી નહીં. કુલદીપ શર્મા IPS અધિકારીમાં ખૂબ ગુંજેલુ નામ પરંતુ નિવૃતી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા જોકે સફળતા મળી નહીં.
પોલીસ કોન્સટેબલ તરીકે પોતાની કારર્કિદી શરુ કરનારા તમામ રાજનેતા સફળ થયા છે તે માટે તેમનો લોક સંપર્ક અને તેમની આગવી છટા કારગત નિવડી છે. જયારે અધિકારીઓ પોતાની જીવન શૈલીમાં એક પ્રકારનો લોક સંપર્કના અભાવને પગલે કંઈ ખાસ સફળ થતા નથી. પોતાની સર્વિસ દરમિયાન અધિકારી તરીકે તેઓ જયારે કાર્યરત હોય ત્યારે લોકોની સમસ્યાને ખાસ ઉકેલવામાં તેઓ કયારેય રસ દાખવતા હોતા નથી. પરિણામે જયારે રાજકારણમાં પ્રવેશ કરે ત્યારે લોકો તેમની પાસે આવે તેવી અપેક્ષા વચ્ચે લોકો અને તેમના વચ્ચેનો સંપર્ક કયારેય સેતુ બનતો નથી.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન સી.આર.પાટીલે જયારથી ભાજપના અધ્યક્ષ તરીકેને પદભાર સંભાળ્યો ત્યારથી ભાજપે અનેક સફળતાના નવા શિખરો પ્રાપ્ત કર્યા. જેમ કે તેમની આગેવાની હેઠળ ભાજપે તમામ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત તેમજ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીના સમયનો 149નો રેકોર્ડ તોડી 161 બેઠકો જીતી. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકને બાદ કરતા 25 બેઠકો કબજે કરી.
આજે વિસાવદરની ચૂંટણીમાં વિજયી બનેલા ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહી ચુકયા છે. તેઓ પેટા ચૂંટણીમાં જીત મેળવી વિસાવદરની બેઠક પર વર્ષ 2012થી સતત વિપક્ષ ધારાસભ્ય ચૂંટવાનો સિલસિલો યથાવત રાખવામાં સફળ બન્યા. વિસાવદરની જનતાએ ગોપાલ ઈટાલિયાને ચૂંટયા છે ત્યારે હવે આ વિસ્તારના વિકાસકાર્ય તેમની પ્રાથમિકતા રહેશે. પૂર્વ પોલીસ કર્મચારી રહી ચુકેલા જેઠાભાઈ ભરવાડ હાલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. ધારાસભ્ય ઉપરાંત તેઓ સહકારી આગેવાન પણ છે.
પોલીસ ફરજ અને હવે લોકસેવાના માધ્યમ દ્રારા લોકો વચ્ચે રહેતા આ તમામ પૂર્વ પોલીસ કર્મચારી હાલ તો રાજકારણમાં તેમની સાથે રહેલા પૂર્વ અધિકારીઓથી આગળ નિકળી ગયા છે. તેમની સફળતાનો મંત્ર હવે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિને કેવી દિશા આપે છે તે જોવુ રસપ્રદ રહેશે.