રાજકોટ તા.16 ચાલુ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા 1863 નવી બસોની ખરીદી શરૂ કરી દેવાઈ છે અને મોટાભાગની બસો, નિગમ દ્વારા સરકારની સૂચના મુજબ ડાયરેકટ જુદી-જુદી કંપનીઓ પાસેથી ખરીદવાનો કોન્ટ્રાકટ કર્યો છે. આથી નિગમનાં એશીયાનાં સૌથી મોટા એવા નરોડા વર્કશોપનાં સેંકડો કર્મચારીઓ બેકાર જેવી સ્થિતિમાં આવી જતા ઘેરા પડઘા પડયા છે.
નરોડા વર્કશોપનાં કર્મચારીઓની રોજીરોટી સામે પ્રશ્ર્ન ઉઠતા એસ.ટી.નાં ત્રણે યુનિયનોએ વિરોધનો મોરચો માંડયો છે અને સરકાર સામે બાંયો ચડાવી વાહન વ્યવહાર મંત્રી અને નિગમનાં એમ.ડી.ને ખાસ પત્ર પાઠવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી. નિગમ દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી દર વર્ષે એક હજારથી વધુ નવી બસોની ખરીદી કરી ક્રમશ: સંચાલનમાં મુકવામાં આવે છે. ત્યારે, ચાલુ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા 1863 નવી બસોની ખરીદી થનાર છે. આ નવી બસોની વિવિધ કંપનીઓ પાસેથી ફાળવણી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગેની એસ.ટી. નિગમનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ એક હજાર પૈકી એસ.ટી. નિગમમાં 71 સુપર એકસપ્રેસ બસો તૈયાર થઈને આવી ગઈ છે. જેમાં લેલન કંપનીની 58 અને ટાટા કંપનીની 5 નવી બસોનો સમાવેશ થાય છે. નિગમનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આ 71 બસો ટુંક સમયમાં જ જુદા-જુદા એસ.ટી. ડીવીઝનોને ફાળવી દેવાશે.
વધુમાં મળતી વિગતો મુજબ જે 1863 નવી બસો આવનાર છે. તેમાં જુદા-જુદા પ્રકારની બસોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1863 નવી બસો પૈકી સુપર એકસપ્રેસ પ્રકારની 963 સેમીલકઝરી 550 અને મીની બસો પ્રકારની 350 બસો બે માસમાં તૈયાર થઈને આવી જશે. આ તમામ નવી બસોનો વર્કઓર્ડર પણ નિગમે જુદી-જુદી કંપનીઓને આપી દીધા છે.
ઉલ્લેખનીય છે કે એસ.ટી. નિગમે જુદી-જુદી કંપનીઓ પાસેથી જ તૈયાર થયેલી મોટાભાગની નવી બસો ખરીદવાનો કોન્ટ્રાકટ કર્યો છે. જેના કારણે નિગમનાં સૌથી મોટા નરોડા વર્કશોપ કે, જયાં નવી બસો તૈયાર થાય છે. તેનાં સેંકડો કર્મચારીઓ બેકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે અને આ પ્રશ્ર્ને એસ.ટી.નાં ત્રણે યુનિયનોએ સરકાર અને એમડીને ખાસ પત્ર પાઠવી રજુઆત પણ કરી છે.