ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા

Spread the love

 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તથા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે. શક્તિસિંહના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે, તેઓ 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા એક સમયે સંસદ સભ્ય હતા. આ ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આમ તે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા પૂર્વ સાંસદ ઈશ્વરભાઈ ચાવડાના દીકરા અજીત ચાવડાના દીકરા છે. આ સંબંધે તે પૂર્વ સાંસદના પૌત્ર છે.  અગાઉ કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. આ પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગર પાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતા અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી, જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી.ભાજપને કોંગ્રેસ કરતા 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014ની ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠકો કબ્જે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો. જ્યારે 2009માં કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા જે 2014માં 11 ટકા ઘટીને 33 ટકા થઇ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 62 ટકા અને કોંગ્રેસને 32 ટકા મત મળ્યા હતા. તમામ 26 બેઠકો પર ભાજપે ફરી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 30.1 ટકા વધુ મત મળ્યા હતા. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ 1 સીટ મેળવી હતી.

કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર

રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *