

રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે લોખંડી હાથે પગલા લેવા માટે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિક પોલીસને સૂચન કરીને તેઓને કાયદાનો ભય બેસે તે પ્રમાણે કાર્યવાહી કરવા માટે આજરોજ જણાવ્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવીંગ બાબતે ફરિયાદ નોંધવાનું શરૂ કરવા છતા તેઓમાં કોઇ ભય નથી. એવું લાગે છે કે, પોલીસ નિસહાય છે અને ગ્રાઉન્ડ ઉપર કોઇ કામ દેખાતું નથી. આવા લોકોના કારણે લોકોના મરણ થાય છે તેમ છતાં પણ દરકાર લેવાતી નથી. હાઇકોર્ટે સુચન કર્યું હતું કે, આવા કસૂરવારોના વાહનો જપ્ત કરો અથવા તો રસ્તા ઉપર એક કલાક ઉભા રાખો. જે કરવું હોય તે કરો પરંતુ આવા રોંગ સાઇડ ઉપર વાહન હંકારનારાઓના કારણે કાયદાનું પાલન કરનાર લોકોના જીવ જોખમમાં મુકી શકાય નહી. ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટીસ એ. એસ. સુપેહીયા અને જસ્ટીસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે રોંગ સાઇડ ડ્રાઇવીંગના મુદ્દે ટ્રાફિક પોલીસ અધિકારીઓ સામે અદાલતના તિરસ્કારનો ચાર્જ ફ્રેમ કરવાની ચીમકી આપી હતી. તેની આજે સુનાવણી થતા હાઇકોર્ટે આ બાબતના ભયસ્થાનો વિશે અને સરકારી અધિકારીઓની નિસ્ક્રીયતા વિશે ધ્યાન દોર્યું હતું.
સરકારના પગલા છતા ગુનેગારો બેફામ – હાઇકોર્ટ: આજની સુનાવણી દરમિયાન અમદાવાદ શહેરના ટ્રાફિકનો હવાલો સંભાળનાર બન્ને નાયબ પોલીસ કમિશનરો સ્વયં કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમના વતી સરકારી વકીલ દ્વારા રજૂઆત કરાઇ હતી કે, શહેર પોલીસ કમિશનરે આ દુષણને ડામી દેવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. તેઓએ આંકડાકીય માહિતી રજૂ કરી હતી અને પરિણામ બતાવવા માટે એક સપ્તાહનો સમય આપવાની માગણી કરી હતી. જો કે હાઇકોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું હતે કે, એફઆઇઆર કરો છો પણ ગ્રાઉન્ડ લેવલ પર તો કામગીરી દેખાતી નથી. આ બાબતે સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓનો ઉલ્લેખ કરતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે,જીવલેણ અકસ્માત બને છે. આવા ભોગ બનનારાઓની આપણે દરકાર કરતા નથી. 72 લોકો રોંગ સાઇડના કારણે મરણ પામ્યા છે અને હવે સમય પાકી ગયો છે, કડક પગલા લો, આ લોકો તમને હળવાશ થી લે છે. રોંગ સાઇડ ડ્રાઇવીંગ વાળા જાણે પોતાને હક્ક મળી ગયો હોય તેમ બેફામ બન્યા છે અને કાયદાનો ભંગ કરે છે. જો તમે કાયદાનો અમલ નહી કરો તો તેઓ તમને હળવાશથી લેશે. કોઇ મોટી દુર્ઘટના બની જશે ત્યારે જ જાગે છે. પછી સ્થિતી ઠેરની ઠેર હોય છે. આવા રોંગ સાઇડ ડ્રાઇવીંગના કારણે કોઇનું મરણ થાય છે અને આપણે ભૂલી જઇએ છીએ. પરંતુ પોતાના પરિવારજનનો આવા જીવલેણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોય તેઓ જીંદગીભર યાદ રહે છે.
પોલીસ વિભાગ તરફથી લૂલો બચાવ: આજે હાઇકોર્ટ સમક્ષ રજુ થયેલા અમદાવાદ પોલીસના અધિકારીઓએ એવો બચાવ લેવામાં આવ્યો હતો કે, ગત તા. 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન તુટી પડવાની દુર્ઘટનામાં શહેર પોલીસનો 40 ટકા સ્ટાફ રોકાયેલો હતો. ત્યારબાદ રથયાત્રા હોવાથી શહેરનો પોલીસ સ્ટાફ તેના બંદોબસ્તમાં વ્યસ્ત હતો. બીજું એવું પણ કારણ છે કે, શહેરમાં સતત વરસાદ પડવાથી અને ભેજનું વાતાવરણ હોવાથી શહેરીજનો પોતાનો સમય બચાવવા માટે રોંગ સાઇડ વાહનો હંકારે છે. શહેર પોલીસ કમિશનરે આ દુષણને ડામી દેવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. તેઓએ આંકડાકીય માહિતી રજૂ કરી હતી અને પરિણામ બતાવવા માટે એક સપ્તાહનો સમય આપવાની માગણી કરી હતી. એટલું જ નહિ યોગ્ય અમલ થાય છે કે નહી તે જોવા માટે દર સપ્તાહે આ કેસની સુનાવણી રાખવા માટે સરકાર દ્વારા વિનંતી કરાઇ હતી.
જો સરકાર નિસહાય રહેશે તો ગુનાખોરો બેફામ બનશે, હાઇકોર્ટ: સરકારી વકીલ દ્વારા રજૂઆત કરાઇ હતી કે અમે કસૂરવારો સામે ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે તેના જવાબમાં હાઇકોર્ટ જણાવ્યું હતું કે, તમે ફરિયાદ નોંધો છો પરંતુ તેની અસર શું છે? તેમના વાહનો જપ્ત કરવાનું શરૂ કરો. જસ્ટીસ આર. ટી. વાચ્છાણીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે સુરતમાં ડીસ્ટ્રીક્ટ જજ હતા ત્યારે જોયું હતું કે, રોંગ સાઇડ વાહન ચલાવનારાઓને વાહનો જપ્ત કરાતા હતા અને તેની ખૂબ અસર થઇ હતી. દરમિયાન જસ્ટીસ સુપેહીયાએ જણાવ્યું તું કે, ફરિયાદ નોંધશો તો તેઓ ભૂલી જશે. કારણ કે તેમને ખબર છે કે તેમની ટ્રાયલ ક્યારે ચાલુ થશે તે કોઇને ખબર નથી. રસ્તા ઉપરની પરિસ્થિતી મિડીયા દ્વારા તો બતાવવામાં આવે જ છે પરંતુ ખુદ અમે પણ આ બાબત અનુભવી રહ્યા છીએ. એટલે કોઇ અંકુશ રહ્યો નથી. કસૂરવારો પોલીસની કાર્યવાહીને હળવાશથી લે છે. અમને ખુદને એવું થાય છે કે આ રોગં સાઇડ વાળા સામેથી આવે તો અમે સાચા રસ્તે હોવા છતાં પણ ખોટા રસ્તા ઉપર તો વાહન નથીને તેવો અનુભવ થાય છે. મોટી એસયુવી કાર રોંગ સાઇડ પર ચાલે છે.
તમે કઇ પણ કરો પણ નાગરીકોના જીવ બચાવો – હાઇકોર્ટ: હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમને તમારી કાબેલિયત ઉપર શંકા નથી પરંતુ લોકો ઉપર અંકુશ હોવાનું જણાતું નથી. અમે તમારી મનસુફી ઉપર છોડીએ છીએ કે શું પગલા લેવા પરંતુ અમને લોકોની સુરક્ષા અને કાયદાના અમલની ચિંતા છે. ઓન ગ્રાઉન્ડ ચોખ્ખુ સત્ય એ છે કે લોકો દરરજો આ પ્રકારની સ્થિતી અનુભવે છે અને રોંગ સાઇડના કારણે અકસ્માતો બને છે. આવા કસૂરવારોના કારણે કાયદાનું પાલન કરનારા લોકોનું જીવન જોખમમાં મુકાય છે. સમગ્ર વાતમાં એવો મેસેજ જાય છે કે તમે નિસહાય છો. માત્ર મુખ્ય રસ્તાઓ ઉપર નહી પરંતુ ઇન્ટરનલ રોડ ઉપર પણ વોચ રાખવી જોઇએ. ત્યારબાદ હાઇકોર્ટે કેસની સુનાવણી મુલતવી રાખી હતી.
સ્કુલોનાં સમય-ઓફિસ અવર્સ વખતે મંજુરીથી પણ ભારે વાહન ચાલવા ન જોઈએ: સુનાવણી દરમ્યાન બાંધકામ સામગ્રી તથા કેટલાંક આવશ્યક સેવાના વાહનો મંજુરી લઈને રસ્તા પર દોડતા હોવાનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. ત્યારે અદાલત તરફથી એવી ટકોર કરવામાં આવી હતી કે સ્કુલ-કોલેજોનાં સમય તથા સરકારી ખાનગી કચેરીઓનાં ટાઈમ-ઓફિસ અવર્સ વખતે મંજુરી સાથેના ભારે વાહનો પણ ચલાવવા ન જોઈએ આ માટે મંજુરી વખતે ખાસ તાકીદ કરવાની જરૂર છે.