
ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. EDએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં 2050 કરોડના કૌભાંડ અને એના મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
EDએ તમામ 164થી વધુ કરંટ એકાઉન્ટ્સની સઘન તપાસ શરૂ કરી છે, જેનો ઉપયોગ આ રેકેટમાં થતો હોવાનું મનાય છે. ખાસ કરીને હવાલા મારફત આ પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો એ અંગેની તપાસ EDની પ્રાથમિકતા છે. પોલીસે અત્યારસુધી એકત્રિત કરેલાં તમામ નિવેદનો, ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવા EDને સોંપવામાં આવ્યાં છે, જેના આધારે ED પોતાની તપાસને આગળ વધારી રહી છે.
આ રેકેટનું આંતરરાષ્ટ્રીય જોડાણ ક્યુબા દેશ સાથે હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અલગ-અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટોકરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા. આ બાબત કૌભાંડની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે.
આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરીને કર્યો હતો. સાયબર ફ્રોડની તપાસ દરમિયાન જ પોલીસને જાણવા મળ્યું હતું કે એક આરોપી ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પણ ચલાવે છે. ED હવે માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ ફોરેક્સ ટ્રેડિંગના કૌભાંડમાં પણ થયેલા મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
આ વિશાળ કૌભાંડમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. સુરતના 2050 કરોડના સાયબર ફ્રોડ કેસમાં દીપ મુકેશ ખેની (ઉં.વ. 25, રહે. મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા, મૂળ ભાવનગર)ને ગીર સોમનાથથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ 21 મેના રોજ સુરતના ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કિરાત જાડવાણી અને મિત ખોખરની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.
તપાસમાં એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાં મેળવતા હતા. દરેક ખાતા માટે તેઓ 1 લાખથી 7 લાખ સુધીનું કમિશન આપતા હતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું. આ મેળવેલાં બેંક ખાતાંનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજો દ્વારા સાયબર ક્રાઈમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતો હતો. ઉધના પોલીસે આવાં 164 બેંક ખાતાં જપ્ત કર્યાં છે અને વિવિધ બેંકો પાસેથી વિગતો મેળવી છે. ખાસ કરીને આરબીએલ બેંકના 89 ખાતાઓમાં જ કુલ 2050 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે, જે કૌભાંડના વિશાળ કદને સ્પષ્ટપણે દર્શાવે છે.
દીપ મુકેશ ખેનીને તેના મામાના ઘરેથી ગીર સોમનાથથી પકડવામાં આવ્યો હતો, જ્યાં તે તેના સાથીદારો, મિત, કિરાત અને દિવ્યેશ (શાળાનો મિત્ર), પકડાયા પછી ભાગી ગયો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દીપ ખેનીએ કિરાતને સાયબર ફ્રોડ કરવા માટે 10 જેટલાં બેંક ખાતાં પૂરાં પાડ્યાં હતાં, જેના બદલામાં તેને કુલ 70 લાખનું કમિશન મળ્યું હતું. ખાતાં મેળવવાની તેની પદ્ધતિ આધુનિક અને સુવ્યવસ્થિત હતી.
ખાતાધારકોની ભરતી: દીપ ખેની એવા લોકોને શોધતો હતો, જેઓ બેંક ખાતા ખોલાવવા તૈયાર હોય અને તેમને દરેક ખાતાદીઠ આશરે 20,000નું કમિશન આપતો હતો.
નકલી વ્યવસાયોની સ્થાપના: બેંક ખાતાંને કાયદેસર બનાવવા માટે દીપ ખેની એક દુકાન ભાડે રાખતો, એમાં સાડીઓનો સ્ટોક ભરાવતો અને કોમ્પ્યુટર ગોઠવતો, જેનાથી એક કાયદેસર વ્યવસાયનો દેખાવ ઊભો થતો.
દસ્તાવેજની તૈયારી: ત્યાર બાદ તે બેંક ખાતું ખોલવા માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરતો, જે પછી કિરાતને સોંપવામાં આવતા હતા.
પ્રતિ ખાતા કમિશન: આ રીતે સફળતાપૂર્વક ખોલવામાં આવેલા દરેક બેંક ખાતા માટે ખેનીને કિરાત પાસેથી 7 લાખનું કમિશન મળતું હતું. દીપ ખેનીની ધરપકડ આ મોટે પાયે ચાલી રહેલા સાયબર ફ્રોડ ઓપરેશનને ખતમ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ નેટવર્ક અને પદ્ધતિઓ પર વધુ પ્રકાશ પાડે છે. પોલીસ અને ED આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સામેલ અન્ય વ્યક્તિઓની વિગતો મેળવવા અને તેમને પકડવા માટે તપાસ ચાલુ રાખી છે. આ કૌભાંડમાં વધુ મોટાં માથાં ખુલ્લા પડવાની શક્યતા પણ સેવાઈ રહી છે.