
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આજરોજ કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આરોપી જયદિપ ચૌધરી દ્વારા મુદ્દત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરવા કહેતા જયદિપ ચૌધરીએ અરજી પરત ખેંચી લીધી. ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરવામાં આવી. હવે આગળ ક્યાં સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલ ચકચારી દુર્ઘટનાઓની ઘટનામાં સૌથી ઝડપી TRP અગ્નિકાંડ કેસ ચાર્જ ફ્રેમ થયા હોવાનો રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલનો સુરેશ ફળદુએ દાવો કર્યો છે. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો. હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે. આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો છે. આમ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના તમામ 15 આરોપીઓ વિરુધ્ધ તહોમત ફરમાવવામાં આવી છે. આગામી મુદ્દત 31 જુલાઈ, 2025 નક્કી કરવામાં આવી છે.
ગત 16 જુલાઈ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એવા આરોપી ઈલેશ ખેરની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થતાં હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 5 પૈકી 3 આરોપીને હાઇકોર્ટ દ્વારા એક આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા અને ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવતા અત્યારસુધી કુલ 5 આરોપીને જામીન આપવામાં આવ્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન CFO એવા આરોપી ઈલેશ ખેરને જામીનમુક્ત કરવા ઓર્ડર કર્યો છે.
આરોપી ઈલેશ ખેર વતી તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં કુલ 365 જેટલા સાહેદો છે, જેને તપાસવામાં જાજો સમય લાગી શકે એમ છે. એક વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં હજુ આ કેસમાં ટ્રાયલ શરૂ થઈ નથી. તદુપરાંત થોડાં વર્ષ પહેલાં મોરબીમાં ઝૂલતા પુલ તૂટી જવાથી 130 જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતાં, જયારે TRP ગેમઝોન કેસમાં 27 લોકોનાં મોત નીપજ્યાં છે તો મોરબી પુલ કેસમાં આરોપીઓને જામીન મળવાપાત્ર હોય તો આ કેસમાં પણ જામીન આપવા જોઈએ, જે દલીલને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપી ઈલેશ ખેરને જામીન પર મુક્ત કરવા ઓર્ડર કર્યો છે.
તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં હતાં અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી, જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે, જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું, જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલહવાલે કરાયા હતા, જેમાંથી ગૌતમ જોશી, મુકેશ મકવાણા જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા જામીનમુક્ત છે અને આજે ઈલેશ ખેરને જામીન મળતાં હવે બાકીના 10 આરોપી એક વર્ષ બાદ હજુ પણ જેલમાં બંધ જ છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ગેમઝોન જમીનમાલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેએ જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જયારે પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી અને આસિસ્ટન્ટ એન્જિનિયર ગૌતમ દેવશંકર જોષીને શરતી જામીન આપ્યા હતા.
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ આવેલા સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે દુઃખદ ઘટના બની, જે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ બનાવથી સરકાર ચિંતિત છે. આ વિસ્તરેલી તપાસ છે, જેમાં અલગ-અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આ તપાસ ઊંડાણપૂર્વક કરવી પડે, કારણ કે ઊંડાણપૂર્વક તપાસ કરો તો જ દોષિત દંડાય અને નિર્દોષ માણસ આનો ભોગ ન બને. કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી છે. આ ઘટનામાં દોષિતને સજા મળે એ જરૂરી છે.
આ બનાવ બાદ રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી. જે-તે સમયે પ્રવક્તા મંત્રી ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ કેસમાં જે પણ કસૂરવાર હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે. જવાબદારો સામે જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.