ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા મુદ્દે HCમાં કન્ટેમ્પ્ટ અરજી પર સુનાવણી

Spread the love

 

ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ અરજી ઉપર સુનવણી ચાલી રહી છે. ગત સુનવણી 15 જૂને યોજાઈ હતી. જેમાં સરકારે સુનવણી માટે સમય માંગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવનો એક અહેવાલ તેમને ન્યૂઝ પેપરમાં વાંચ્યો હતો. બે ત્રણ વર્ષ પહેલા ઓથોરિટીએ રોંગ સાઇડ ડ્રાઇવ ઉપર કામ કરવા બાહેંધરી આપી હતી, પરંતુ હવે પરિસ્થિતિઓ વધુ બગડી છે. અગાઉ કોર્ટે તેના આદેશોના તિરસ્કાર બદલ અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા કહ્યું હતું, હવે કોર્ટ ચાર્જ ફ્રેમ કરશે. જો કાયદો કોઈ પાળતું ના હોય તો અમલ ના કરાવો ! કોર્ટના નિર્દેશ બાદ કાયદાનું પાલન થવુ જોઈએ પણ અહીં તો ઉલ્લંઘન થાય છે ! અમદાવાદ પોલીસે બુધવારે એક જ દિવસમાં રોંગ સાઈડમાં આવતા 100થી વધુ વાહનચાલકો સામે FIR નોંધી હતી.
આજે જજ એ.એસ.સુપેહિયા અને જજ આર.ટી.વાછાણી સમક્ષ આ મુદ્દે વધુ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટના કોઈ પણ નિર્દેશ વગર અમદાવાદ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશ્નર કોર્ટમાં હાજર રહ્યા હતા. સરકારી વકીલે આંકડા આપ્યા હતા કે રોંગ સાઇડ ડ્રાઇવના આરોપીઓ સામે જાન્યુઆરી મહિનામાં 75, ફેબ્રુઆરીમાં 42, માર્ચમાં 329, એપ્રિલમાં 133, મેં માં 95, જૂનમાં 226, જુલાઇમાં 16 દિવસમાં 329 FIR રજિસ્ટર્ડ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89 હજાર ચલણ ઇસ્યૂ થયા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર સમક્ષ રોંગ સાઇડ આવતા વાહનોને નાથવા કોર્ટની સૂચના ધ્યાને મૂકાઈ હતી. શહેર પોલીસ કમિશ્નરે રોંગ સાઇડ ડ્રાઈવિંગ કરનારા સામે કડક પગલા પોલીસ અધિકારીઓને હુકમ આપ્યો છે. જો કે કોર્ટે કહ્યું હતું FIR નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ. સુરતમાં જ્યારે જજ આર.ટી. વાછાણી હતા ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો, જેને સફળતા મળી હતી. કોર્ટે કહ્યું હતું કે જજીસ અને મીડિયા અહેવાલો રોંગ સાઇડના ડ્રાઇવિંગને જોવે છે.
સરકારી વકીલે કહ્યું હતું કે અઘરી પરિસ્થિતિઓમાં ટ્રાફિક જવાનો કામ કરે છે. અમદાવાદમાં મેઘાણીનગર પ્લેન ક્રેશમાં શહેરના 40 ટકા પોલીસ કર્મચારીઓએ 24 કલાક કામ કર્યુ હતું. ત્યારબાદ અમદાવાદમાં રથયાત્રા પણ સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. વરસાદ અને ભેજવાળા અને ધૂળિયા વાતાવરણમાં પોલીસ જવાનો રોડ ઉપર કામ કરે છે. વરસાદ અને ભેજથી બચવા અને કંટાળેલા લોકો શોર્ટકર્ટ્સ માટે રોંગ સાઇડ ડ્રાઇવ કરે છે, આ માણસના મનની નબળાઈ છે. અમે રખડતા ઢોર અટકાવ્યા તેમ રોંગ સાઇડ આવતા વાહનોને પણ નાથીશું. કોર્ટ સમક્ષઅઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ આપીશું.
કોર્ટે કહ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો બેદરકાર છે. સરકારી વકીલે કહ્યું હતું કે અમદાવાદીઓમાં સેલ્ફ રેગ્યુલેશન જાળવવામાં ગંભીર ઉદાસીનતા જોવા મળે છે. કોર્ટે કહ્યું હતું કે SUV સાયન્સ સિટી રોડ ઉપર રોંગ સાઈડમાં આવે છે. અંકુર ક્રોસ રોડથી નારણપુરા રોડ ઉપર પણ આવી તકલીફ છે. રોંગ સાઇડ આવવાથી અકસ્માત થાય છે. જજીસ બંગલો અને પકવાન ચાર રસ્તા રોડ ઉપર ગેરકાનૂની પાર્કિંગ જોવા મળે છે. સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસને અપાયેલા બોડીવોર્ન કેમેરામાં વકીલો પણ ટ્રાફિક નિયમોના પાલનમાં છૂટછાટ લેતા પોલીસ જોડે ઝઘડો કરતા દેખાયા છે. અમદાવાદમાં તાજ હોટેલથી સિંધુ ભવન રોડ ઉપર રોંગ સાઇડ મોટું જંક્શન બની ચૂક્યું છે.
કોર્ટે કહ્યું હતું કે પિક અવર્સમાં લોકો ટ્રાફિકથી બચવા શોર્ટ કર્ટ માટે રોંગ સાઇડ આવે છે, એટલે ભારે વાહનો માટે પિક અવર્સમાં પ્રતિબંધનો કડક પાલન કરાવો. અમદાવાદ શહેરમાં રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને ટાળવા માટે લગાવાયેલા ટાયર કિલર નીકળી જવાની વાત પણ કોર્ટ સમક્ષ મુકાઈ હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે ટાયર કિલર મેઇન્ટેન નથી થતા, બીજા શહેરોમાં પણ ફેલ ગયા છે. હવે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર ઉપરની કન્ટેમ્પ અરજીની સુનવણી દર બુધવારે યોજાશે અને ઓથોરિટી રિપોર્ટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં 15, જુલાઈના રોજ છપાયેલ રોંગ સાઇડ વાહનના અહેવાલને કોર્ટે ધ્યાને લીધો હતો. આ મુદ્દે વધુ સુનાવણી બુધવારે યોજાશે.
વાહનચાલકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન કરે અને તોફાની તત્વો પર કંટ્રોલ લગાવી શકાય તે માટે શહેર પોલીસ ગઇકાલે મેદાનમાં ઉતરી હતી. રોંગ સાઇડમાં, દારૂ પીને, પુરઝડપે વાહન હંકારતા ચાલકો વિરૂદ્દ પોલીસે કાર્યવાહી કરી છે. આ સાથે કારમાં નંબર પ્લેટ ના હોય, બ્લેક ફીલ્મ લગાવી હોય અથવા તો લાયસન્સ ના હોય તેવા વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.ગઇકાલે પોલીસ દરેક જંકશન પર ઉંભી હતી અને વાહનચાલકો વિરૂદ્ધ લાલઆંખ કરી હતી. અમદાવાદ પોલીસ 100થી વધુ વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તમામ વાહનચાલકો રોંગસાઇડમાં આવી રહ્યા હતા જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે.ઝડપાયેલા વાહનચાલકો પૈકી મોટાભાગના લોકો યંગસ્ટર હતા અને તેમની પાસે લાયસન્સ પણ હતુ નહી. બે દિવસથી પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ કરતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *