અમેરિકાએ જે ધ રેજિસ્ટન્સ ફ્રન્ટને વિદેશી ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું તે TRF ગ્રૂપ કોણ છે?

Spread the love

 

ભારત સરકારે ઑગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી. ત્યાર પછી કથિત રીતે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ એટલે કે ટીઆરએફની રચના થઈ હતી. પરંતુ 2020ના શરૂઆતના મહિનાઓમાં આ જૂથે જમ્મુ અને કાશ્મીરમાં ઘણા હિન્દુઓની ટાર્ગેટેડ હત્યાઓની જવાબદારી લીધી ત્યારે તે ચર્ચામાં આવ્યું. આ જૂથે ભારતના સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકરો અને સહયોગીઓને પણ નિશાન બનાવ્યા હતા. ટીઆરએફ પાકિસ્તાનસ્થિત ચમરપંથી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) સાથે પણ જોડાયેલું હોવાનું કહેવાય છે અને તેને ઘણીવાર એલઈટીની “શાખા” તરીકે ઓળખવામાં આવે છે.
જાન્યુઆરી 2023માં ભારતના ગૃહ મંત્રાલયે આ જૂથ પર પ્રતિબંધ મૂક્યો અને 1967ના અનલૉફૂલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ (યુએપીએ) હેઠળ તેને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું. આ કાયદા હેઠળ કથિત ટીઆરએફના કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ ‘આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો. ગયા મહિને 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ચરમપંથી હુમલામાં આ જૂથ સામેલ હોવાનો આરોપ છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
ટીઆરએફે પહલગામ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે. હુમલાના ત્રણ દિવસ પછી, 25 એપ્રિલના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં ટીઆરએફે જણાવ્યું હતું કે હુમલાની જવાબદારી સ્વીકારતો એક “અનધિકૃત” સંદેશ તેના ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે “સંકલિત સાયબર ઘૂસણખોરી”નું પરિણામ હતું.
આ જૂથે ભારતના સાયબર પ્રોફેશનલો પર આરોપ લગાવ્યો અને કહ્યું કે આ દાવો “ખોટો, ઉતાવળિયો અને કાશ્મીરના પ્રતિરોધને બદનામ કરવા માટેના અભિયાનનો ભાગ” છે. ટીઆરએફના સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, “આંતરિક તપાસ બાદ, અમારી પાસે એવું માનવાને કારણ છે કે આ એક સંકલિત સાયબર ઘૂસણખોરી હતી. અમે આ ઉલ્લંઘનને સમજવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે ભારતીય સાયબર ઇન્ટેલિજન્સ ઑપરેટિવ્સનો હાથ હતો.” આ નિવેદન સૌપ્રથમ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ જે ઍન્ડ કેની ટેલિગ્રામ ચૅનલ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જૂથનો દાવો છે કે આ તેનું એકમાત્ર સત્તાવાર પ્લૅટફૉર્મ છે. નોંધનીય છે કે આ ટેલિગ્રામ ચૅનલ 25 એપ્રિલે જ બનાવવામાં આવી હતી અને તે અગાઉ કોઈ પોસ્ટ પોસ્ટ કરવામાં આવી ન હતી. જોકે, ભારતીય અધિકારીઓએ ટીઆરએફના તાજેતરના નિવેદનની સત્યતાની પુષ્ટિ કે ઇન્કાર કર્યો નથી. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે: “અમે નાટકીય ક્રૂરતાના આધારે નહીં, પણ સિદ્ધાંતના આધારે પ્રતિકાર કરીએ છીએ. અમે કબજા સામે લડીએ છીએ, નાગરિકો સામે નહીં.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ‘આ રક્તપાતમાં ટીઆરએફની કોઈ ભૂમિકા નહોતી.’
ભારતીય મીડિયાનું કહેવું છે કે પાકિસ્તાનના દબાણના કારણે પહલગામ હુમલા અંગે ટીઆરએફે આ રદિયો આપ્યો છે. ભારતીય મીડિયામાં સામાન્ય રીતે આ જૂથને પહલગામ હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 7 મેના રોજ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ જૂથને સીધી રીતે જવાબદાર ઠેરવ્યું હતું. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કથિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા પછી તરત જ મિસરીએ આ પ્રેસ બ્રીફિંગ આપ્યું હતું. મિસરીએ કહ્યું કે, “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) નામના એક જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ જૂથ યુએન દ્વારા પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનું પ્યાદું છે.” “ઉલ્લેખનીય છે કે ભારતે મે અને નવેમ્બર 2024માં યુએનની 1267 પ્રતિબંધ સમિતિની મૉનિટરિંગ ટીમને પોતાના અર્ધ-વાર્ષિક અહેવાલોમાં ટીઆરએફ વિશે માહિતી પૂરી પાડી હતી, જેમાં પાકિસ્તાનસ્થિત ‘આતંકવાદી જૂથો’ માટે કવર તરીકે તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું કે, “ડિસેમ્બર 2023માં પણ ભારતે મૉનિટરિંગ ટીમને લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ વિશે માહિતી આપી હતી જે ટીઆરએફ જેવાં નાનાં આતંકવાદી જૂથો મારફત કાર્યરત છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *