
નોંધનીય છે કે ગુજરાત અને પંજાબ જેવાં રાજ્યોમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચાભ્યાસ અને કૅનેડામાં કામ કરવા તેમજ સ્થાયી થવાના સ્વપ્ન સાથે ત્યાં પહોંચે છે. જોકે, પાછલા કેટલાક સમયથી એક સમયે ‘માઇગ્રન્ટ્સ ફ્રેન્ડલી’ મનાતા દેશ કૅનેડામાં માઇગ્રેશન માટેના નિયમો કેટલાક અંશે કડક બનાવાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આવી જ એક જાહેરાત તાજેતરમાં પણ કરાઈ. કૅનેડા સરકારની ઇમિગ્રેશન અંગેની માહિતી પૂરી પાડતી વેબસાઇટ પર આપેલી માહિતીને કારણે હવે કૅનેડામાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓએ દેશમાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓની ‘મુશ્કેલી થોડી વધી’ શકે છે. વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ કૅનેડા (ક્યુબેક સિવાય) અભ્યાસ અર્થે જવા માગતા વિદ્યાર્થીઓએ હવેથી ‘લિવિંગ કોસ્ટ’ એટલે કે ‘જીવન-જરૂરિયાતના ખર્ચ’ માટે લગભગ 14 લાખ રૂ. પોતાની પાસે હોવાનું બતાવવાનું રહેશે. પહેલાં આ રકમ લગભગ 13 લાખ રૂ. હતી. આમ, નવી જોગવાઈ પ્રમાણે વિદ્યાર્થીઓએ અગાઉ કરતાં 11 ટકા જેટલી રકમની વધુ વ્યવસ્થા કરવી પડશે. જોકે, નવી જોગવાઈ પહેલી સપ્ટેમ્બર કે એ પછી અરજી કરનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે. નોંધનીય છે કે પહેલાં કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓએ ‘લિવિંગ કોસ્ટ’ના પુરાવા તરીકે 20,635 (લગભગ 12,92,615 રૂ.) કૅનેડિયન ડૉલર બતાવવાના રહેતા. જ્યારે નવી જોગવાઈ પ્રમાણે હવે તેમાં વધારો કરીને 22,895 કૅનેડિયન ડૉલર (14,34,415 રૂ.) કરી દેવાયા છે. ગુજરાતમાં ઇમિગ્રેશનના જાણકારો આના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હોવાનો મત વ્યક્ત કરે છે.