
અમેરિકામાં ફરવા ગયેલી એક ભારતીય મહિલાએ સ્ટોરમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ યુએસ એમ્બેસીએ કડક શબ્દોમાં ઈમિગ્રન્ટ્સને ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ અમેરિકામાં રહેતાં અથવા ત્યાં જવાનું વિચારી રહેલા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે, અમેરિકામાં હુમલો, ચોરી, કે ગેરરીતિ જેવા ગુના પર વિઝા રદ થઈ શકે છે. સાથે ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ પણ લાગી શકે છે. અમેરિકન એમ્બેસીએ X પર પોસ્ટ કરી હતી કે, જો તમે અમેરિકામાં હુમલો, ચોરી કે ઘરફોડ ચોરી, ગેરરીતિ કરો છો, તો તમારા પર ન્યાયિક કાર્યવાહી ઉપરાંત વિઝા પણ રદ થી શકે છે. તેમજ ભવિષ્યમાં વિઝા મંજૂર થવાની સંભાવના પર પૂર્ણવિરામ વાગી શકે છે. અમેરિકા કાયદાનું સન્માન કરે છે, અને વિદેશી નાગરિકો પાસેથી પણ આ જ અપેક્ષા છે. અમેરિકાના કાયદા અનુસાર, ચોરી અને સ્ટોરમાંથી ચોરીને અલગ-અલગ ન્યાયિક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ ચોરી પ્રકૃતિ અને કિંમત પર નિર્ભર કરે છે. ત્યાં કાયદામાં ચોરી, ઉચાપત, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓને અલગ-અલગ વિગતવાર વ્યાખ્યાયિત કર્યા છે. અમેરિકાના જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના રાજ્યોમાં દુકાન માલિકોને ઘરફોડ ચોરીની શંકામાં વ્યક્તિને રોકી તેની પૂછપરછ કરવાનો હક છે. અમુક રાજ્યોમાં તે સિવિલ કેસ પણ કરી શકે છે. જો 300 ડોલરથી ઓછી રકમની વસ્તુઓની ચોરી થી હોય તો તે ક્લાસ-એ મિસડિમિનર ગણાય. જેમાં 2500 ડોલર સુધીનો દંડ અને એક વર્ષની સજાની જોગવાઈ છે. જો ચોરીની રકમ 300 ડોલરથી વધુ હોય તો તે ક્લાસ-4 ચોરી ગણાય. જેમાં 25000 ડોલર સુધીનો દંડ અને એકથી ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.