સંસદીય પેનલનો સમીક્ષા રિપોર્ટ તૈયાર : 285 સુધારા સુચવ્યા : સોમવારે લોકસભાને સોંપાશે

Spread the love

 

ધરખમ સુધારા સાથે આગામી વર્ષથી લાગુ થનારા આવકવેરાના નવા કાયદાનુ વિધેયક સંસદના આગામી ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રજુ થવાના સંકેત છે. સંસદીય પેનલ દ્વારા સુચવાયેલી મોટાભાગની ભલામણોનો સ્વીકાર કરી લેવાયો છે. મહત્વની વાત એ છે કે, સર્ચ-સર્વે સંબંધી પ્રવર્તમાન જોગવાઈ વિશે મહતમ ચર્ચા થવા છતાં તેમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોર્પોરેટ કંપનીઓને ડીવીડન્ડ ટેકસ ઝંઝટમાં રાહત મળશે. આવકવેરા કાયદા વિધેયક 2025ની સંસદીય પેનલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. કોર્પોરેટ કંપનીઓના આંતરિક ડીવીડન્ડ પર ડીડકશનની છુટ્ટ ફરી શરૂ કરવા ભલામણ કરવામાં આવી છે જે લાગુ થાય તો કોર્પોરેટ ક્ષેત્રને મોટી રાહત મળી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે સંસદીય પેનલ દ્વારા કુલ 285 ભલામણો કરવામાં આવી છે અને સરકારે મોટાભાગના સૂચનોનો સ્વીકાર કર્યો છે. આનો એવો અર્થ થાય છે કે 6 દાયકા જુના આવકવેરા કાયદામાં ધરમૂળપુર્વકના ફેરફારો સંસદના આગામી સત્રમાં ફટાફટ પ્રચાર થઈ જશે. કોર્પોરેટ જગત દ્વારા કલમ 80 એમ ફરી દાખલ કરવા ભારે દબાણ કર્યુ હતું. આ કલમની નાબુદીથી ડબલ ટેકસેસન બોજની દલીલ કરવામાં આવી હતી.
બાયજયંત પાંડાના નેતૃત્વવાળી આ સંસદીય પેનલ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે-આગામી સોમવારે- રિપોર્ટ લોકસભાને સોંપશે. કમીટીએ સુચવેલા મોટાભાગના સૂચનોને સરકારે સ્વીકારી લીધા છે. આ વિધેયક પર ચર્ચા-વિચારણા કરીને પસાર કરવાનુ સરકારે જાહેર કરી જ દીધુ છે. કમીટીએ સુચવેલા અન્ય સુધારામાં નોકરી-રોજગાર માટે વિદેશ જતા નાગરિકોને લગતી ભાષાકીય જોગવાઈ સંબંધી ભલામણ કરી છે. દ્વિધા દુર કરવા માટે અગાઉના શબ્દો લાગુ કરાયા છે. આ સિવાય ચોખવટ વિનાની અનેક શાબ્દીક જોગવાઈઓ વિશે સ્પષ્ટતા સૂચવી છે. કમીટી દ્વારા કાયદાની સમીક્ષા માટે 36 બેઠક કરવામાં આવી હતી અને તમામ 536 જોગવાઈઓ પર વિચારણા કરવામાં આવી હતી. સૂત્રોએ કહ્યું કે સર્ચ અને જપ્તિને લગતી કલમ 247(1) પર મહતમ ચર્ચા-વિચારણા થઈ હતી છતાં કોઈ મોટા ફેરફાર કે સુધારા સુચવાયા નથી. સમીતી સમક્ષ હાજર થયેલા અનેક જાણકારોએ ફેસલેસ એસેસમેન્ટ સામે ચિંતા દર્શાવી હતી અને ટીડીએસ દર જુદા-જુદા રાખવાના બદલે સમાન કરવા ઉપરાંત કાયદો સરળ કરવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદનાં ગત બજેટ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આવકવેરાના જુના કાયદાના સ્થાને નવો સરળ કાયદો અપનાવતુ બીલ રજુ કર્યુ હતું. બિનનિવાસી ભારતીયો, વેપારી-વ્યવસાયિકોની આવકમાં વિભાજન, પેનલ્ટી-કોમપ્લાયન્સમાં ઝંઝટ દુર કરવા સહિતની જોગવાઈઓ કરવામાં આવી હતી. કરવેરા નિષ્ણાંતોએ કહ્યું કે કમીટીની ભલામણો સ્વીકારીને સરકાર આવકવેરા કાયદામાં ધરખમ ફેરફાર કરીને સરળ બનાવશે તેવો આશાવાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *