
વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ(AUDA) હસ્તગત આવતા તમામ બ્રિજના ઇન્સ્પેક્શન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરદાર પટેલ રિંગરોડ પર આવેલા ચાર બ્રિજ ઉપર ઇન્સ્પેક્શનની કામગીરી AUDA દ્વારા કરવામાં આવી રહી છે. આજે 19 જુલાઈના રોજ SP રિંગરોડ પર આવેલા કમોડ બ્રિજનું સ્પેશિયલ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ નામની ક્રેન મારફતે બ્રિજ નીચેથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
બ્રિજની નીચે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થઈ શકે તેના માટે આ મશીન ખાસ દિલ્હીથી કન્સલ્ટન્ટ કંપની દ્વારા મંગાવી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. AUDAના ઇજનેર વિભાગના અધિકારીઓ કન્સલ્ટન્ટ સાથે સ્થળ ઉપર ચેકિંગમાં હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના CEO ડી.પી.દેસાઈએ જણાવ્યું હતું કે AUDA વિસ્તારમાં 17 બ્રિજ અને 3 નાના કેનાલ બ્રિજ આવેલા છે. આ તમામ બ્રિજ પૈકી કમોડ, ભાટ, વટવા અને શીલજ એમ ચાર બ્રિજ 15 વર્ષ જૂના છે. આ બ્રિજ નીચે જઈને નજીકનું ઇન્સ્પેક્શન કરવું અઘરું છે જેના માટે AUDA દ્વારા મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ (MBIU) મારફતે ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું છે. મોટાભાગના બ્રિજમાં કોઈ પણ ક્ષતિ જણાઇ નથી.
AUDAના ઇજનેર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે AUDAના નદી તેમજ રેલવે ઓવર બ્રિજના અમદાવાદના ચાર બ્રિજનું ઇન્સ્પેક્શન મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કમોડ બ્રિજનું વહેલી સવારથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. જેમાં બ્રિજના પીલર, કેપ, જોઈન્ટ સહિતની બાબતોનું બ્રિજની નીચેથી યોગ્ય રીતે ઇન્સ્પેક્શન કરી જો તેમાં કોઈ ક્ષતિ જણાય તો તે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે અને કામગીરી કરાશે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે તમામ બ્રિજનું પ્રાથમિક ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે. કોઈપણ બ્રિજ ઉપર કોલમ કે બીમ સહિતની જગ્યામાં ક્ષતિ જણાઈ નથી. નાનું મોટું પેચ વર્ક કરવાની કામગીરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. 15 વર્ષ જૂના એવા ચાર બ્રિજનું ઊંડાણપૂર્વક અને ખૂબ જ બારીકાઈથી ઇન્સ્પેક્શન કરવામાં આવશે. જેના માટે બ્રિજ ડિઝાઈન કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી તેનો રિપોર્ટ આપશે. બાદમાં તેના આધારે આગળની કાર્યવાહી કરાશે.