
ગુજરાત સરકારના અધિકારીઓ તથા સીએમઓને મળેલા એક ઇ-મેઇલમાં ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય, મહત્ત્વની અન્ય સરકારી કચેરીઓ તથા કલેક્ટર ઑફિસોને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ અજાણી વ્યક્તિ વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઇ-મેઇલમાં પાઠવાયેલી વિગતો મુજબ કેટલાક રાજકારણીઓએ તામિલનાડુ સરકારને સલાહ આપી હતી કે રાજ્યના કેટલાક સમાચાર માધ્યમોને નબળા પાડીને કેટલીક રાજકીય સિદ્ધિઓ મેળવી શકાય છે. આ માટે તેમણે કેટલીક એજન્સીઓ અને વચેટીયાઓને નિયુક્ત કરીને કેટલાક પત્રકારોને નોકરીએ રાખવા માટે જણાવાયુ હતુ. જોકે, આ ઇરાદો પાર ન પડતા તેનો બદલો લેવા માટે થઇને આ કૃત્ય થઇ શકે તેવું અસ્પષ્ટ અને ભ્રમણા ઉભી કરે તેવી ભાષામાં આ બાબત જણાવાઇ છે.આ ઉપરાંત ઇ-મેઇલમાં અનાથાલયની બાળકીઓનું યૌનશોષણ કરવામાં આવતું હોવાની પણ વાત રજૂ કરવામાં આવી છે.
અસ્પષ્ટ રીતે તેમાં તામિલનાડુની કેટલીક જાણીતી હસ્તીઓ અને પત્રકારોની ગુનાહિત સંડોવણી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઇ-મેઇલ ડર અને ભ્રમ ઉભો કરવા મોકલવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. તેમાં એમ પણ જણાવાયુ છેકે, પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયા બાદ 97 મિનિટ પછી ગુજરાતનુ મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓ પણ ધડાકાથી ધણધણી ઉઠશે, જેથી આ તમામ કચેરીઓ ખાલી કરાવી દેવી જોઇએ. આ જ પ્રકારનો ઇ-મેઇલ ભળતા સળતા આઇડી ઉપરથી થોડા મહિના અગાઉ પણ મળ્યો હતો અને તેમાં પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ દેશી બનાવટના વિસ્ફોકટોથી બ્લાસ્ટ કરવાની ધમકી મુખ્ય સચિવને મળી હતી. તે અનુસંધાને પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્વર્ણિમ સંકુલ ખાતે તપાસ કરવામાં આવી હતી. આ બંને ઇ-મેઇલ વચ્ચેની સામ્યતા એ છેકે, તામિલનાડુના રાજકારણને ટાંકીને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ કરવાની ધમકી અપાઇ છે.