NACHIKET MAHETAગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયાં હતાં.
“બ્રિજ તૂટ્યો એટલે શરૂઆતમાં 10થી 15 સેકંડ માટે તો મને લાગ્યું કે હું પણ નીચે જ પડી રહ્યો છું. મારું મગજ ચકરાવા લાગ્યું હતું. થોડા સ્વસ્થ થઈને મેં જોયું કે મારી ગાડી લટકી રહી હતી. મેં તરત જ નીચે જોયું, આસપાસ જોયું. પછી હું હૅન્ડ બ્રેક લગાવીને ગાડી ચાલુ રાખીને જ કુદકો મારીને ઉપર ચડી ગયો અને ભાગી ગયો હતો.”
આ શબ્દો છે ટૅન્કર ચાલક રવીન્દ્રકુમારના. તેનું ટૅન્કર દુર્ઘટના થયાના દસ દિવસ બાદ આજે પણ અધ્ધર લટકી રહ્યું છે.
વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 9 જુલાઈના રોજ વહેલી સવારે અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં જે ટૅન્કર લટકી રહ્યું હોવાના ફોટો વાઇરલ થઈ રહ્યા છે તે ટૅન્કર રવીન્દ્રકુમાર ચલાવી રહ્યા હતા.
આ ટૅન્કરના માલિકનો પણ આક્ષેપ છે કે તેઓ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમનું ટૅન્કર હઠાવવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ટૅન્કરના માલિકનું એમ પણ કહેવું છે કે ટૅન્કરની લોનનો દર મહિને 85 હજારનો બૅન્કનો હપ્તો આવે છે. તેમનું કામ બંધ હોવાથી તેમને નુકસાન થઈ રહ્યુ છે.
તેમણે સરકારી તંત્રને એ પણ સવાલ પૂછ્યો કે હવે તેઓ હપ્તો કેવી રીતે ભરી શકશે?
બીજી તરફ સરકારી અધિકારીઓનું કહેવું છે કે ટૅન્કર હઠાવવા બ્રિજ પર ક્રેન લઈને જવામાં આવે તો અકસ્માત થવાની શક્યતા છે. તેઓ અન્ય કોઈ પ્રકારે ટૅન્કર હઠાવવાની રૂપરેખા અંગે કામ કરી રહ્યા છે.
વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતા આ મહત્ત્વપૂર્ણ બ્રિજનો વચ્ચેનો એક મોટો સ્લૅબ તૂટી પડતાં બે પિક-અપ વાન, બે ટ્રક અને રિક્ષા સહિતનાં વાહનો ઘણી ઊંચાઈએથી નદીમાં પડ્યાં હતાં.
‘બે જિલ્લાના તંત્ર વચ્ચે અમે પણ લટકી ગયા છે’
HARDIKટૅન્કર ચાલક રવીન્દ્રકુમાર
ટૅન્કર ચાલક રવીન્દ્રકુમાર ઘટનામાં બચી ગયા હતા.
ટૅન્કર ચાલક રવીન્દ્ર કુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “મારી નજર સમક્ષ મેં લોકોને નદીમાં ડૂબતા જોયા. મને ઉપરવાળાએ જ બચાવ્યો છે.”
તેમણે ઉમેર્યું, “હું ગાડી ભરવા માટે અમદાવાદથી દહેજ જઈ રહ્યો હતો. લગભગ 7.45 વાગ્યા હતા ત્યારે હું ગંભીરા બ્રિજ પર પહોચ્યો હતો. બ્રિજ પર થોડો ટ્રાફિક હતો. હું ટ્રાફિકમાં ઊભો હતો. એકાએક બ્રિજ તૂટી પડ્યો હતો. જે પણ લોકો હતા એ મારી આંખો સામે જ નીચે નદીમાં પડ્યા હતા.”
રવીન્દ્રકુમારે વધુમાં જણાવ્યું કે “મારો સામાન ગાડીમાંજ પડ્યો છે. નદી આણંદ અને વડોદરા બન્ને જિલ્લામાં આવે છે. બન્ને જિલ્લાના તંત્ર વચ્ચે અમે લટકી ગયા છે. અમારા ઘરમાં કમાનારો હું એકલો જ છું. મારી એક જ માંગણી છે કે અમારું ટૅન્કર બહાર કાઢવામાં આવે તો અમારુંં કામ શરૂ થઈ શકે.”
ટૅન્કરના માલિકે શું કહ્યું?
HARDIKટૅન્કરના માલિક રમાશંકર પાલ
અંકલેશ્વરના રહેવાસી ટૅન્કરના માલિક રમાશંકર છેલ્લા 10 દિવસથી ટૅન્કરને બહાર કાઢવા માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. દસ દિવસ ઉપર થયા તેમ છતા ટૅન્કર બહાર કાઢવામાં નથી આવ્યું.
રમાશંકર પાલે ઘટના અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “9 જુલાઈના રોજ સવારે હું ક્રિકેટ રમી રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન મારા ટૅન્કરના ડ્રાઇવરે કર્યો હતો. ડ્રાઇવરે મને ઘટના અંગે જાણ કરી હતી. મેં ડ્રાઇવરને પુછ્યુ કે તને કશું થયું નથી ને? ટૅન્કર ભલે પડી જાય ચિંતા નહીં.”
રમાશંકર પાલ કહે છે કે “ટૅન્કર ખરીદવા માટે મે બૅન્ક પાસેથી 40 લાખ રૂપિયાની લોન લીધી હતી.”
તેમના કહેવા પ્રમાણે ટૅન્કરના લોનના હપ્તા ચાલી રહ્યા છે.
તેઓ કહે છે, “દર મહિને લોનનો 85 હજાર હપ્તો ભરું છું. છેલ્લા 10 દિવસથી ટૅન્કર અધવચ્ચે લટકી રહ્યું હોવાથી કામ બંધ છે. છેલ્લા દસ દિવસથી હું એક કચેરીથી બીજી કચેરી ધક્કા ખાઈ રહ્યો છું. હું અંકલેશ્વર રહું છું ત્યાંથી વડોદરા અને આણંદ વચ્ચે ધક્કા ખાઈ રહ્યો છું.”
“મારો ટ્રાન્સપૉર્ટનું વ્યવસાય છે. હું નાનો ધંધાદારી છું. મારી પાંચ જ ગાડીઓ છે. જો ટૅન્કરનું કામ નહી ચાલે તો હું તેના હપ્તા કેવી રીતે ભરીશ. આ દુર્ઘટના બાદ હું બૅન્ક પાસે ગયો હતો. બૅન્ક કર્મચારીઓનું કહેવું છે કે તમારે લોનનો હપ્તો તો ભરવો જ પડશે.”
રમાશંકર પાલ વધુમાં જણાવે છે કે “બ્રિજ પડી જવાની આ આખી ઘટનામાં મારી કોઈ ભૂલ નથી. પરંતુ હું સમસ્યાઓનો સામનો કરી રહ્યો છુ. વિમા કંપની કહે છે કે જો ગાડી તૂટશે તો જ તમને વિમો મળી શકે છે. જ્યારે બૅન્ક કહે છે કે તમારે હપ્તો તો ભરવો જ પડશે. મારી તંત્રને વિનંતી છે કે મારી ગાડી કાઢીને આપે અથવા તો આખી ગાડી નીચે ફેંકી દે.”
તેઓ કહે છે, “એક બાજુનો કોઈ રસ્તો કરી આપે. ટૅન્કર આ સ્થિતિમાં જ રહેશે તો હું મારી લોનનો હપ્તો કેવી રીતે ભરીશ મને નુકસાન થશે. ક્યારે ગાડી કાઢીને આપશે તે કોઈ કહેતું નથી.”
આણંદ અને વડોદરાના કલેક્ટરે શું કહ્યું?
NACHIKET MAHETAગંભીરા બ્રિજ
વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે “આ આ મુદ્દો સ્ટેટ રોડ ઍન્ડ બ્રિજ વિભાગનો છે. રોડ ઍન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ટૅન્કર ઉતારવા અંગે રોડ ઍન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા જે સૂચનો આપવામાં આવશે તે અનુસાર આણંદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.”
આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું, “રોડ ઍન્ડ બ્રિજ ડિપાર્ટમેન્ટ તરફથી અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ બ્રિજ પર ક્રેનનો ઉપયોગ નહીં થઈ શકે. બ્રિજ જ્યાંથી તૂટ્યો છે ત્યાં ત્રણથી ચાર ફૂટ નીચે ટૅન્કર ફસાયેલું છે.”
“ટૅન્કરને હટાવવા એને આગળથી ઉપર હટાવીને પાછળથી ખેંચવામાં આવે. પરંતુ તેના માટે પણ ક્રેન જરૂરી છે. હવે બ્રિજ પર દબાણ આપવાથી અન્ય કોઈ જગ્યાએ પણ અકસ્માત થવાની શક્યતા રહેલી છે. સમગ્ર બાબત અંગે L&T કંપની, આર્મી અને રોડ ઍન્ડ બ્રિજ વિભાગના ડિઝાઇન સેલે એકબીજા સાથે પરામર્શ કર્યો છે.”
વકીલ શું કહે છે?
NACHIKET MEHTAબ્રિજ તૂટી જવાથી બે ટ્રક અને પિક-અપ વાહનો સહિતનાં વાહનો પાણીમાં પડ્યાં હતાં.
ઍડ્વોકેટ ગુલાબખાન પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે ” આ હોનારત છે. ટૅન્કરના માલિકનું ટૅન્કર લટકી રહ્યું છે. વિમા કંપનીએ તેને વિમાના પૈસા ચુકવવા જોઈએ. ટૅન્કરનો માલિક તે રકમ બૅન્કમાં લોનના હપ્તા તરીકે ભરપાઈ કરી શકે.”
ઍડ્વોકેટ રથિન રાવલ જણાવે છે કે “વાહનોના અકસ્માતના કેસમાં વિમા કંપની દ્વારા તેનું અસેસમેન્ટ કરવામાં આવે છે. સર્વેયર દ્વારા અસેસમેન્ટ કરીને નુકસાનની રકમ નક્કી કરીને ચૂકવવામાં આવે છે. જે કિસ્સામાં વાહન ટોટલ ડૅમજ થયું હોય તેવા કિસ્સામાં વાહનનો કાટમાળ મેળવીને વિમા કંપની દ્વારા વાહનના વિમાની પૂરી રકમ ચૂકવવામાં આવે છે. આ કિસ્સામાં વાહનના ડૅમેજનું અસેસમેન્ટ થયું નહી હોય. આ પ્રકારના કિસ્સામાં વિમાધારક યોગ્ય કોર્ટમાં ફરિયાદ કરી શકે છે.”