.
અમદાવાદ, સુરત ને ફરી અમદાવાદ એમ છેલ્લા આઠ દિવસમાં શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થિની છેડતી કર્યાની ત્રીજી ઘટના સામે આવી છે. ઇસનપુરમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે પાસ કરવાની લાલચ આપીને 13 વર્ષીય સગીર વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. આ સાથે અવારનવાર મળવા માટે પણ કહેતો હતો. રાત્રીના સમયે સગીરા જે માતાનો મોબાઇલ વાપરતી હતી, તેમાં બે મિસ્ડકોલ આવ્યા હતા, જેથી માતાએ સગીરાની પૂછપરછ કરતા ગુરુના વેશમાં રહેલા શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો. 19 જુલાઈએ આ અંગે સગીરાની માતાએ શિક્ષક સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ઇસનપુરમાં 38 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે અને તેમની 13 વર્ષીય સગીર પુત્રી ગોવિંદવાડી પાસે આવેલી ખાનગી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઘોરણ 9માં અભ્યાસ કરે છે. ગત 12 જુલાઈએ રાત્રે સગીરાના માતાના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી બે મિસ્ડકોલ આવ્યા હતા. જેથી સગીરાની માતાએ નંબર પર ફોન કર્યો, પરંતુ ઉપાડ્યો ન હતો. જેથી માતાએ પુત્રીને આ નંબર અંગે પૂછતા આ નંબર તેના સ્કૂલના શિક્ષક પંકજ ગીરીનો હોવાનું જણાવ્યું હતું, જે છેલ્લા 15 દિવસથી સ્કૂલમાં ભણાવતો હતો.
વધુમાં સગીરાએ માતાને જણાવ્યુ હતું કે, 4 જુલાઈએ પંકજ ગીરીએ તેને ટ્યુશન માટે બોલાવવા માટે પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે, જો તું મારી પાસે ટ્યુશન આવીશ, તો હું તને પાસ કરાવી દઈશ. જે બાદ લંપટ શિક્ષક પંકજ સગીરા સાથે મેસેજ દ્વારા વાતચીત કરતો હતો અને મળવાનું કહેતો હતો. 8 જુલાઈએ ક્લાસ પૂર્ણ થયા બાદ સગીરા પગથિયાં ઉતરી રહી હતી, ત્યારે પંકજે તેને બૂમ પાડીને ઉભી રાખી હતી અને છેડતી કરતા સગીરા દોડીને નીચે આવી ગઇ હતી.
આટલું જ નહિ લંપટ શિક્ષક સગીરા સાથે વાત કર્યા બાદ મેસેજ ડિલિટ કરવાનું કહેતો હતો. આ અંગે માતાએ સગીરાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી અને લંપટ શિક્ષક પંકજ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.