અમદાવાદમાં 8 કરોડની લેતીદેતીમાં થયેલા ફાયરિંગમાં બિલ્ડરનું મોત.. 9 દિવસની સારવાર બાદ દમ તોડ્યો

Spread the love

 

અમદાવાદમાં 11 જુલાઈએ મોડીરાત્રે 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી. બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી. પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતાં ગેંગવોર જેવી સ્થિતી સર્જાઇ હતી જેના CCTV પણ સામે આવ્યા હતા. જોકે, ઇજાગ્રસ્ત બિલ્ડરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં આજે 9 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે.
રાયખડ પોલીસ લાઇનમાં આવેલી સીફઆ રેસિડેન્સીમાં રહેતા શોજીનબાનુ પઠાણે કારંજ પોલીસ સ્ટેશનમાં ઝહુરુદ્દીન નાગોરી (રહે, રંગીલા પોળના નાકે, શાહપુર) વિરુદ્ધ ફાયરિંગ તેમજ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. શોજીનબાનુના પતિ નાસિરખાન ઉર્ફે ખન્ના પઠાણ હાલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તેમનો ભાગીદાર ઝહુરુદ્દીન નાગોરી હતો. બન્નેએ વર્ષ 2018થી 2021 સુધી સાથે કામ કર્યુ હતું, પરંતુ રૂપિયાની લેતીદેતી મામલે તેમની ભાગીદારી છૂટી થઇ ગઇ હતી.
નાસિરખાનને ધંધાના ઝહુરુદ્દીન પાસે રૂપિયા લેવાના નીકળતા હતા, જેના કારણે અનેક વખત ઉઘરાણી કરતો હતો. ગઇકાલે નાસિરખાન ઘરની પાસે બેઠા હતા ત્યારે ઝહુરુદ્દીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. શોજીનબાનુ પર તેમના ભત્રીજા જમાઇનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ખન્ના ચાચાના ભાગીદાર ઝહુરુદ્દીન નાગોરીએ પિસ્તોલથી ગોળી મારી છે. નાસિરખાનને સીધા હોસ્પિટલમાં લઇ ગયા હતા.
નાસિરખાન અને ઝહુરુદ્દીન વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી. જેમાં ઝહુરુદ્દીને નાસિરખાન પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. નાસિરખાનના શરીરમાં બે ગોળી વાગી હતી, જ્યારે એક ગોળી ઉજેફ નામના રાહદારીને વાગી હતી. ફાયરિંગની ઘટનામાં 9 દિવસની સારવાર બાદ આજે નાસિરખાનનું મોત થયું છે. જોકે, આરોપી પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. કારંજ પોલીસ ઝહુરુદ્દીન વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *