સુરતમાં 10 હનીટ્રેપ ગેંગ સક્રિય : મહિલા ડેટિંગ એપ્સથી ધનિક યુવાનોને ફસાવી શરીરસંબંધ બાંધે; 20% કમિશન માટે થતા બ્લેકમેઇલિંગની મોડસઓપરેન્ડી

Spread the love

 

 

સુરતમાં બનેલા ચકચારી હનીટ્રેપકેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. સુરતમાં એક-બે નહીં, પરંતુ દસ જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય છે. આ તમામ ગેંગ વિશે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને ચોક્કસ માહિતી મળી છે અને સઘન તપાસ પણ ચાલી રહી છે. આ ગેંગ ખાસ મોડસઓપરેન્ડી સાથે ધનિક યુવકોને જાળમાં ફસાવવા સુંદર મહિલાનો ઉપયોગ કરે છે. આ મહિલાઓેને કામ માટે બ્લેકમેઇલિંગની રકમમાંથી 20 ટકા કમિશન આપવામાં આવે છે. હાલ પોલીસ દ્વારા આ તમામ ગેંગથી ભોગ બનેલા લોકોની તપાસ ચાલી રહી છે અને લોકોને પણ ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ હનીટ્રેપ ગેંગ્સ અત્યંત ચાલાક અને વ્યવસ્થિત રીતે કામ કરે છે. કોઈપણ વ્યક્તિને ફસાવતાં પહેલાં તેઓ તેનું સંપૂર્ણ “વર્કઆઉટ” કરે છે. આ વર્કઆઉટમાં વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ, મિલકત, અને કમાણી જેવી તમામ વિગતો એકત્રિત કરવામાં આવે છે. જે વ્યક્તિઓ આર્થિક રીતે સધ્ધર હોય તેમને જ આ હનીટ્રેપ ગેંગ ટાર્ગેટ બનાવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ પૈસાદાર લોકોને ફસાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવાનો હોય છે.
આ ગેંગ્સ ડેટિંગ એપ્સ, જેવી કે ટિન્ડર, બમ્બલ, લવલી અને ફેસબુક જેવાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરે છે. તેઓ સૌપ્રથમ આ પ્લેટફોર્મ્સ પર મિત્રતા કેળવે છે. આ માટે ખાસ કરીને એક સુંદર મહિલાની પસંદગી કરવામાં આવે છે. આ મહિલા પહેલા મેસેજ દ્વારા વાતચીત શરૂ કરે છે અને પ્રેમપૂર્વકના સંદેશાઓ દ્વારા પીડિતને વિશ્વાસમાં લેવામાં આવે છે. ધીમે-ધીમે તેને લલચાવી-ફોસલાવીને કોઈ રૂમમાં બોલાવવામાં આવે છે. યુવક એકવાર રૂમમાં પહોંચ્યા પછી આ મહિલા શારીરિક સંબંધ બાંધે છે. શારીરિક સંબંધ બંધાયા પછી ગેંગના અન્ય પુરુષ સભ્યો પોલીસ અથવા પત્રકાર બનીને રૂમમાં પ્રવેશે છે અને તાત્કાલિક બ્લેકમેઇલિંગ શરૂ કરી દે છે. તેઓ પીડિતને અપમાનિત કરીને કેસ કરવાની ધમકી આપી છે, સાથે તેમને બદનામ કરવાની ધમકી આપીને મોટી રકમની માગણી કરે છે. આ સમયે પીડિત ડર અને શરમથી કોઈને કહી શકતો નથી અને ગેંગની માગણીઓ સંતોષવા મજબૂર બને છે. તાજેતરમાં જ અમરોલીના એક રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવીને 20 લાખની ખંડણી માગવાના કેસમાં કુખ્યાત મશરૂબંધુ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે હાલમાં જે આરોપી પકડાયા છે તેમની પાસેથી બે બનાવટી પોલીસ આઈકાર્ડ મળ્યાં છે. આ આઈકાર્ડમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકેના નામ અને ફોટો હતા. ગુજરાત પોલીસના આ આઈકાર્ડની જ્યારે ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ આઈકાર્ડ ભાવનગરના પોલીસકર્મીનું છે અને એમાં એડિટિંગ કરીને બનાવવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે આ ગેંગ કેટલી સુનિયોજિત રીતે ગુના આચરે છે. આ ગેંગ સુંદર મહિલાઓનો ઉપયોગ લોકોને ફસાવવા માટે કરે છે, જેને આ લોકો ‘પેપર’ કોડવર્ડ તરીકેની ઓળખ આપે છે. હનીટ્રેપ દ્વારા જે રકમ પડાવવામાં આવતી હતી એમાંથી 20% રકમ કમિશન તરીકે મહિલાઓને આપવામાં આવતી હતી, આનાથી મહિલાઓ પણ આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થવા માટે પ્રેરાતી હતી. અમરોલીમાં જૂના કોસાડ ખાતે આવેલી સોસાયટીમાં રહેતા 44 વર્ષીય રત્નકલાકાર હીરાના કારખાનામાં જોબ કરે છે. તેમના સંબંધીને કોલ કરવા જતાં તેમનાથી ભૂલમાં 5 વર્ષ પહેલાં સાથે કામ કરતી અસ્મિતાને કોલ લાગી ગયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે નિયમિત કોલિંગ-ચેટિંગ શરૂ થયું હતું. અસ્મિતા વારંવાર વીડિયો કોલ કરી પ્રેમભરી વાતો કરતી હતી અને આ રીતે રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
સુરત પોલીસે સામાન્ય જનતાને આવા હનીટ્રેપનો ભોગ ન બનવા માટે સાવચેત રહેવા અપીલ કરી છે. અજાણ્યા લોકો સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવતી વખતે અત્યંત સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી આર્થિક માગણીઓ અથવા વ્યક્તિગત મુલાકાત માટેની લાલચથી દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હનીટ્રેપનો ભોગ બને છે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ આવા કેસોમાં ફરિયાદ લેવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દસ ગેંગના પર્દાફાશથી સુરતમાં ગુનાખોરી નિયંત્રિત કરવામાં મદદ મળશે એવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *