
છેલ્લા એકાદ સપ્તાહથી ગટર ઉભરાવવાની સમસ્યા જૂના અલગ અલગ આઠ સેક્ટરોમાં ઉભી થઇ છે. જોકે તેની પાછળનું કારણ નાના ગ-રોડ ઉપરથી પસાર થતી ગટરની મેઇન લાઇન 10 મીટર બેસી જતા હાલમાં તેના રિપેરીંગની કામગીરી ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્ય ગટર લાઇનનું સૌ પ્રથમ રિપેરીંગ કર્યા બાદ તેની સફાઇ કર્યા બાદ ગટર લાઇન રાબેતા મુજબ કાર્યરત કરવા માટે એકાદ સપ્તાહ જેટલો સમય લાગશે. નગરના જૂના સેક્ટરોમાં છેલ્લા દસેક દિવસથી ગટર ભરાઇ જવાના બનાવો બની રહ્યા છે. જોકે તેની પાછળનું સાચું કારણ શોધવા માટે ગટર વિભાગ દ્વારા ગટરની તમામ મેઇન લાઇનોની તબક્કાવાર ચકાસણી કરી રહી હતી. તેમાં નગરના ગ રોડ ઉપર નાંખવામાં આવેલી ગટરની મુખ્ય મેઇન લાઇનમાં ગટર લાઇન દસ મીટર બેસી ગઇ હતી.
નગરના સેક્ટર-13ની પાસેની ગટર લાઇન દસ મીટર બેસી જવાના કિસ્સાને પગલે તેના રિપેરિંગની કામગીરી માર્ગ મકાન વિભાગના ડ્રેનેજ શાખા દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી ગટરની રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. દસ મીટર ગટર બેસી ગઇ હોવાથી તેની આસપાસના દસેક જેટલા વૃક્ષોને કાપવામાં આવ્યા હતા. વૃક્ષોના કટીંગ કર્યા બાદ ગટરના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સૌ પ્રથમ ગટરની મુખ્ય લાઇનનું રિપેરીંગ કર્યા બાદ ગટરની સફાઇની કામગીરી કરવામાં આવશે. ગટરની મુખ્ય લાઇન નાંખવાની સાથે સાથે સફાઇ સહિતની કામગીરી કરવામાં સપ્તાહ જેટલો સમય લાગશે. નગરના ગ-રોડ ઉપરની ગટરની મુખ્ય લાઇનના રિપેરીંગ અને સફાઇ કરવામાં સપ્તાહ જેટલો સમય લાગવાથી તેની સીધી અસર નગરના સેક્ટર-12, સેક્ટર-13, સેક્ટર-14, સેક્ટર-15, સેક્ટર-24, સેક્ટર-25, સેક્ટર-26, સેક્ટર-28 અને જીઆઇડીસી વિસ્તારની ગટર લાઇનો ભરાવાના કિસ્સા બની રહેશે. જોકે ગટરની રિપેરીંગની કામગીરી ડ્રેનેજ વિભાગ રવિવાર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવી રહી છે. વધુમાં ગટરનું પાણી ચાલુ રહે તે માટે ડ્રેનેજ વિભાગ દ્વારા પંપ મુકીને મુખ્ય ગટર લાઇનનું પાણી અન્ય ગટર લાઇનમાં નાંખીને નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.