
ઇસ્કોનથી ગાંધીનગર આવેલા યુવાન પોતાની બેગ બસમાં ભૂલી ગયો હતો. યુવાનને પોતાની બેગ યાદ આવતા તેણે નગરના ડેપોના ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો હતો. ટ્રાફિક કંટ્રોલરે યુવાનની ટિકિટના આધારે બસના કંડક્ટરનો સંપર્ક કરીને બસમાં રહેલી બેગ મળી આવતી હતી. યુવાનની બેગમાં રોકડા 20 હજાર અને કપડાં સહિતની વસ્તુઓ સહિસલામત યુવાનને પરત કરીને ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત નગરના ડેપોમાં મુસાફર પોતાની બેગ બસમાં ભૂલી જતાં તેની તપાસ કરીને તેને પરત કરવામાં આવી હતી. આ બનાવ અંગે ડેપોના કર્મચારીઓના જણાવ્યા મુજબ ઇસ્કોનથી ગાંધીનગર આવવા માટે યુવાન બસમાં બેઠો હતો. યુવાન નગરના ડેપોમાં ઉતરી ગયો પરંતુ તેની બેગ લેવાનું ભૂલી ગયો હતો. જોકે યુવાનને પોતાની બેગ બસમાં ભૂલી ગયો હોવાની ખબર પડતા તે ડેપોમાં આવીને ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યાનો સંપર્ક કર્યો હતો. ધર્મેન્દ્ર પંડ્યાએ યુવાનની બસ ટિકિટના આધારે અને બસ કયા રૂટની સહિતની માહિતી મેળવ્યા બાદ તે બસના કંડક્ટરનો સંપર્ક કરીને બસમાં એક બેગ મુસાફર ભૂલી ગયો હોવાનું જણાવ્યું હતું. આથી કંડક્ટર દ્વારા બસમાં રહી ગયેલી બેગ લાવીને ટ્રાફિક કંટ્રોલરને જમા કરાવી હતી.