
સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીનગર શહેરમાં સફાઇ મામલે થયેલી કામગીરીની વિશેષ નોંધ લઇને ગાંધીનગરને સ્વચ્છતા સુપર લીગનો એવોર્ડ કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. શહેરના જાહેર સ્થળોએ એકત્ર થતો કચરો અલગ અલગ જગ્યાએ એકત્ર થાય અને ગંદકી ફેલાતી અટકાવવા માટે 10 જાહેર સ્થળોએ ડ્રાય વેસ્ટ કલેક્શન કિઓસ્ક મૂકવામાં આવશે. જેમાં કચરો નાખી શકાશે. આ સ્થળોએ નાગરિકોને માત્ર 10 રૂપિયામાં કાપડની થેલી મળી શકે તેવા વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવશે.
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે આ પ્રોજેક્ટ પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવનાર છે. આ માટે એજન્સી દ્વારા ડ્રાય વેસ્ટ કલેક્શન બુથ તેમજ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવશે. આ માટેના 10 લોકેશન નક્કી કરવાના બાકી છે પરંતુ માર્કેટ, સ્કૂલ- કોલેજ કેમ્પસ, સચિવાલય જેવી કચેરીઓ, મહાત્મા મંદિર, અક્ષરધામ જેવા પર્યટન સ્થળો જેવા વધુ અવરજવર ધરાવતા સ્થળો પર આ પ્રકારના મશીન લગાવવામાં આવશે. 10 સ્થળોએ 10 વર્ષ માટે આ એજન્સી દ્વારા બંને પ્રકારના મશીન મૂકવામાં આવશે. આ માટેનું તમામ મૂડી રોકાણ એજન્સી દ્વારા જ કરવામાં આવશે અને તેનું મેઇન્ટેનન્સ પણ તે જ સંભાળશે.
આ એજન્સી સામે મનપા દ્વારા કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેમ કે એજન્સીએ સિક્યોરિટી ડિપોઝીટ પેટે મહાનગરપાલિકાને 1 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. બૂથ અને મશીનની સાઇઝ મ્યુનિસિપલ કમિશનર નક્કી કરે તે પ્રમાણેની રાખવી પડશે. એકત્ર થતો કચરો નિયત કરેલા સ્થળે નિકાલ નહીં કરે તો પ્રતિ બનાવ 200 રૂપિયા પેનલ્ટી કરવામાં આવશે. યોગ્ય સમયે કચરાનો નિકાલ નહીં થાય તો પ્રતિ બનાવ 100 રૂપિયાની પેનલ્ટી કરાશે.