
ગાંધીનગરમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલ વચ્ચે સરગાસણમાં મંદિરે જઇ રહેલી મહિલાને ગાયે અડફેટે લીધી હતી અને શિંગડું પેટના ભાગે જ વગાડી દેતાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેમને પેટના ભાગે 40 જેટલા ટાંકા લેવા પડ્યાં હતા.
અમદાવાદ મહાનગરપાલિકાની નકલ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ મોટા ઉપાડે નવી ઢોર નિયંત્રણ પોલીસીનો અમલ શરૂ કર્યો હતો અને શરૂઆતમાં તેની મોટા ઉપાડે જાહેરાતો કરી હતી અને સાતેય દિવસ 24 કલાક કામગીરી કરવાની વાતો કરી હતી પરંતુ સમય જતાં આ તમામ બાબતો માત્ર કાગળ પર રહી ગઇ છે. વીવીઆઇપી મૂવમેન્ટ હોય તેટલા સમય પુરતા જ કામગીરી થતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. ટીપી વિસ્તારોમાં તો ઢોર પકડવાની કોઇ કામગીરી જ થતી નથી.
સરગાસણમાં રાધે સ્વીટ પાછળ યોગી પ્લેટીના સોસાયટીમાં રહેતા 52 વર્ષિય મિનાક્ષીબેન ભરતભાઇ પટેલ પોતાના નિત્યક્રમ પ્રમાણે ઘરની નજીક આવેલા મંદિરે જઇ રહ્યા હતા. તેમની સાથે અન્ય મહિલા પણ હતી. આ દરમિયાન એકાએક રસ્તા પર ઉભેલી ગાયે હૂમલો કર્યો હતો. જેથી ગાયનું શિંગડું મિનાક્ષીબેનના પેટમાં ઘુસી જતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતાં પેટમાં ઉંડો ખાડો પડી ગયો હોવાથી ડોક્ટરને ચાર લેયરમાં અંદાજે 40 જેટલા ટાંકા લેવા પડ્યા હોવાનું તેમના પુત્ર વિકુંદ પટેલે જણાવ્યું હતું.
અવારનવાર આ પ્રકારના બનાવ બને છે
સ્થાનિક વસાહતીઓએ જણાવ્યું હતું કે અહીં રખડતા ઢોર કાયમી અડિંગો જમાવીને બેઠા હોય છે અને અવાર નવાર અહીંથી પસાર થતા રહિશો, રાહદારીઓને અડફેટે ચઢાવે છે. આ વિસ્તારમાં કાયમી સમસ્યા હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે કોઇ કાર્યવાહી થતી નથી.