સુપ્રીમ કોર્ટે સોમવારે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે,રાજકીય લડાઈઓ માટે એજન્સીની સત્તાનો ઉપયોગ કરી શકાય નહીં. કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની બીએમ પાર્વતીને રાહત આપવા વિરૂદ્ધ ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેમજ બીજા એક કેસમાં વકીલોએ મોકલેલા સમન્સ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આ નિવેદન આપ્યું હતું.
પહેલા કેસમાં ઈડીએ કર્ણાટક હાઈકોર્ટના તે આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રીની પત્ની બીએમ પાર્વતી અને કર્ણાટકના શહેરી વિકાસ મંત્રી બાયરથી સુરેશ વિરૂદ્ધ મની લોન્ડરિંગની કાર્યવાહી રદ કરવામાં આવી હતી. આ કેસ મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કથિત ગેરકાયદે સાઈટ ફાળવણી સંદર્ભે હતો. હાઈકોર્ટે 7 માર્ચના ટ્રાયલ કોર્ટના આદેશને જાળવતાં આ કાર્યવાહી રદ કરી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે, તમને જાણ છે કે, સિંગલ જજે ટ્રાયલ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો, તેમ છતાં તમે આ અપીલ કરી રહ્યા છો? રાજકીય લડાઈ જનતા વચ્ચે લડવી જોઈએ. ઈડીનો ઉપયોગ કેમ થઈ રહ્યો છે? જસ્ટિસ ગવઈએ જણાવ્યું કે, મને મહારાષ્ટ્રમાં ઈડીનો અનુભવ છે. મહેરબાની કરીને મને આકરા વચનો બોલવા મજબૂર કરશો નહીં. સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ અપીલ પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચીફ જસ્ટિસે આગળ કહ્યું હતું કે, અમને સિંગલ જજના તર્કમાં કોઈ ભૂલ જોવા મળી નથી. આ વિશેષ પરિસ્થિતિમાં અમે તમારી અપીલ ફગાવીએ છીએ. એસીજીને આભાર કે, તેમણે ઈડીને કઠોર ટીપ્પણીનો સામનો કરવાથી બચાવી લીધી.
સુપ્રીમ કોર્ટના ક્લાયન્ટ્સને કાનૂની સલાહ આપવા માટે ED દ્વારા વરિષ્ઠ વકીલોને પાઠવવામાં આવેલા સમન્સ સંબંધિત એક સુઓ મોટો કેસ પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં, સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશન (SCAORA), સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA), ઇન-હાઉસ લોયર્સ એસોસિએશન અને અન્ય કાનૂની સંસ્થાઓએ હસ્તક્ષેપ માટે અરજીઓ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, જો વકીલ દ્વારા આપવામાં આવેલી સલાહ ખોટી હોય, તો પણ તેને કેવી રીતે સમન્સ મોકલી શકાય? આ વિશેષાધિકારનો મામલો છે. કેટલીક માર્ગદર્શિકાઓ નિર્ધારિત કરવી જોઈએ.’
ચીફ જસ્ટિસે નિષ્કર્ષ આપ્યું હતું કે, અમે સવારથી કહી રહ્યા છીએ કે, મહેરબાની કરીને એજન્સીનો ઉપયોગ રાજકીય મંચ માટે ન કરશો. અમને બોલવા માટે મજબૂર ન કરો. અમારે ઈડી વિરૂદ્ધ આકરી ટીકા કરવી પડશે. આ વાઈરસને દેશમાં દરેક જગ્યાએ ફેલાવશો નહીં. રાજકીય લડાઈ મતદારો સામે લડવી જોઈએ. તમે તેનો દુરૂપયોગ કેમ કરી રહ્યા છો? કોર્ટે સુઓ મોટો મામલે નોટિસ પાઠવી છે, આ મામલે સુનાવણી આગામી સપ્તાહે થશે.