પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં, રેલવે પોલીસે 56 છોકરીઓને બચાવી લીધી છે અને બે લોકોની ધરપકડ કરી છે. આ છોકરીઓને ન્યૂ જલપાઈગુડી સ્ટેશન પરથી બચાવી લેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે આ છોકરીઓ ટિકિટ ચેકિંગ દરમિયાન પકડવામાં આવી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, તેઓને એ પણ ખબર ન હતી કે તેમને ક્યાં લઈ જવામાં આવી રહી છે.
આટલી બધી છોકરીઓને એકસાથે મુસાફરી કરતી જોઈને શંકા ઉભી થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ લોકોને બેંગલુરુમાં નોકરીનું વચન આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે જો બેંગલુરુમાં નોકરીનું વચન આપવામાં આવ્યું હતું, તો પછી તેમને બિહાર કેમ લઈ જવામાં આવી રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે ન્યૂ જલપાઈગુડી-પટણા કેપિટલ એક્સપ્રેસમાંથી આ છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. આ બચાવાયેલી છોકરીઓની ઉંમર 18 થી 31 વર્ષની વચ્ચે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મહિલાઓ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વાર જિલ્લાની રહેવાસી છે અને તેમને બેંગલુરુ સ્થિત એક કંપનીમાં નોકરી અપાવવાના ખોટા વચનો આપીને લલચાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમને ટ્રેન દ્વારા બિહાર મોકલવામાં આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કોઈ પણ મહિલા પાસે માન્ય ટિકિટ નહોતી અને તેમના હાથમાં ફક્ત કોચ અને બર્થ નંબરના સ્ટેમ્પ હતા.
તેમણે કહ્યું કે, ટ્રેનની નિયમિત તપાસ દરમિયાન આટલી બધી યુવતીઓને એકસાથે મુસાફરી કરતી જોઈને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓને શંકા ગઈ. આ પછી, પૂછપરછ કરવામાં આવી ત્યારે ગંભીર વિસંગતતાઓ બહાર આવી. અધિકારીઓએ જણાવ્યું કે વિરોધાભાસી નિવેદનો આપવા બદલ એક પુરુષ અને એક મહિલાની સ્થળ પર ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બંને આરોપીઓ સમજાવી શક્યા નથી કે, જ્યારે બેંગલુરુમાં નોકરીનું વચન આપવામાં આવ્યું હતું ત્યારે મહિલાઓને બિહાર કેમ મોકલવામાં આવી રહી હતી
અધિકારીઓએ કહ્યું કે, તેઓ નોકરીની ઓફરની પુષ્ટિ કરતા કોઈપણ દસ્તાવેજો અથવા મુસાફરી માટેના માન્ય કારણો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા. તેમણે કહ્યું કે GRP અને સરકારી રેલવે પોલીસ (RPF) સંયુક્ત રીતે કેસની તપાસ કરી રહ્યા છે, ખાસ કરીને માનવ તસ્કરીના દૃષ્ટિકોણથી. RPFએ જણાવ્યું કે છોકરીઓને તેમના પરિવારોને સોંપવામાં આવી છે.