આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોડાસાના મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત અને પશુપાલકો માટે વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન AAP ના સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમમાં ગુજરાતમાંથી AAPના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને હજારો સમર્થકો પણ જોડાયા હતા.
જો કે આ દરમિયાન અડધાથી વધારે ખુરશીઓ ખાલી જોવાઇ રહી હતી અને બાદમાં તેને હટાવવાની ફરજ પડી હતી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ફરી એકવાર રાજકીય પાયો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોડાસામાં યોજાયેલી જાહેરસભામાં જે દ્રશ્યો જોવા મળ્યા, તેનાથી એ સ્પષ્ટ સંકેત મળ્યો કે ગુજરાતની જનતા હજુ તેમને સ્વીકારવા તૈયાર નથી.
અંદાજે 50%થી વધુ બેઠકો ખાલી જોવા મળતાં આશ્ચર્ય ફેલાઈ ગયું. સભા માટે મોટી તૈયારી કરવામાં આવી હતી, ભાષણો માટે માઇક્રોફોન તૈયાર હતા, અને સુરક્ષા વ્યવસ્થા પણ સજજ હતી – પરંતુ લોકોનો અભાવ મુખ્ય ચર્ચાનો વિષય બની ગયો. જ્યાં કેજરીવાલ ગુજરાતની જનતાને ‘પરિવર્તન’ અને ‘ઇમાનદારીની રાજનીતિ’ના મોટા વચનો આપી રહ્યા હતા, ત્યાં સામાન્ય જનતાની હાજરી ન હોવાને કારણે એ સ્પષ્ટ થયુ કે ગુજરાતના લોકોને ફક્ત વચનોની નહિ, પરંતુ કાર્યક્ષમ પરિણામોની જ અપેક્ષા છે.
આ સભામાં ગણ્યાં ગાંઠ્યાં લોકો જ હાજર રહ્યા હતા અને એ પણ મોટાભાગે પાર્ટીના કાર્યકરો જ લાગતાં હતાં. આ ઘટના બાદ રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે ગુજરાતની જમીન પર કેજરીવાલ માટે હાલ રાજકીય જગ્યા બનાવવી કઠીન છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્થાપિત સત્તાસંતુલન વચ્ચે AAP માટે સ્થાન શોધવું મુશ્કેલ રહ્યું છે.