1990 માં કર વસૂલાત રૂ. 10,000 કરોડ હતી, જે હવે 22 લાખ કરોડને વટાવી ગઈ છે અને આ વર્ષે લક્ષ્ય 25 લાખ કરોડ છે : ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત સતીશ શર્મા
ડિજિટલ સુધારા, ફેસલેસ એસેસમેન્ટ અને 12 લાખ સુધીની કરમુક્તિને સરકારના સકારાત્મક વલણના પ્રતીક તરીકે વર્ણવી રાજ્યપાલશ્રીએ ઉત્તમ સેવા આપનારા અધિકારીઓ – કર્મચારીઓનું સન્માન કર્યુ
અમદાવાદ
આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમદાવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, જ્યારે ભારત ચોથું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે તે કરદાતાઓની પ્રામાણિકતા અને આવકવેરા વિભાગની કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આજે આપણે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ તે આવકવેરા વિભાગની મહેનત અને કરદાતાઓના વિશ્વાસને કારણે શક્ય બન્યું છે. કોઈપણ રાષ્ટ્ર, સમાજ કે પરિવારની પ્રગતિનો મૂળ પાયો ‘અર્થતંત્ર’ છે અને આ દિશામાં આવકવેરા વિભાગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.આજે ભારતની માળખાગત સુવિધા, સશસ્ત્ર દળોની ક્ષમતા અને નાગરિકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ મજબૂત મહેસૂલ વ્યવસ્થા પર આધારિત છે. તેમણે ગુજરાતના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો કે, આજે રાજ્યમાંથી વાર્ષિક ₹ 1,05,421 કરોડનો આવકવેરા સંગ્રહ થઈ રહ્યો છે, જે સમાજની આર્થિક મજબૂતીનો પુરાવો છે.
, આવકવેરા પ્રક્રિયામાં ભયના વાતાવરણને બદલે સંવાદ, સહાનુભૂતિ અને પારદર્શિતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ આવકવેરા અધિકારીની સામે હોય છે, ત્યારે અધિકારીએ એ પણ વિચારવું જોઈએ કે જો હું તેમની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં એ સ્પષ્ટ કર્યું કે, કર વસૂલાત એ માત્ર મહેસૂલ વસૂલાત નથી, પરંતુ સામાજિક સમાનતાનું માધ્યમ છે. તેમણે કહ્યું કે કરનો હેતુ શ્રીમંત વર્ગના સંસાધનોને જનતામાં સમાન રીતે વહેંચવાનો છે, જેથી સમાજમાં સંવાદિતા, ભાઈચારો અને એકતાની ભાવના વધુ પ્રબળ બને.આજની કાર્ય પદ્ધતિ પહેલા કરતાં વધુ સરળ અને વધુ પારદર્શક બની છે. તેમણે ₹ 12 લાખ સુધીની કરમુક્તિ જેવા પ્રગતિશીલ નિર્ણયોને કરદાતાઓ પ્રત્યે સરકારના સકારાત્મક વલણનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે ગુરુવારે અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત શ્રી સતીશ શર્મા, મુખ્ય આયકર આયુક્ત (ટીડીએસ) શ્રીમતી. અપર્ણા અગ્રવાલ, મુખ્ય આયકર આયુક્ત (અમદાવાદ-૧) શ્રી રાજેશ કુમાર ગુપ્તા, આવકવેરા વિભાગના મહાનિદેશક (તપાસ) શ્રી સુનિલ કુમાર સિંહ અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.આર્થિક સમૃદ્ધિ જીવનમાં શાંતિ, આદર અને સ્થિરતાનું માધ્યમ બને છે અને આ હકીકત આપણા વેદ, ઉપનિષદો અને ભારતીય પરંપરાઓમાં પુરુષાર્થ ચતુષ્ટય – ધર્મ, અર્થ, કામ અને મોક્ષના રૂપમાં વર્ણવવામાં આવી છે.પ્રાચીન ભારતીય ધર્મની વિભાવનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ધર્મનો અર્થ સંપ્રદાય નથી, પરંતુ ફરજ અને નૈતિકતા છે. હું મારા માટે જે ઇચ્છું છું, તે જ મારે બીજાઓ માટે પણ ઇચ્છવું જોઈએ – એ જ સાચો ધર્મ છે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત વિકસિત ભારત-૨૦૪૭ ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવકવેરા વિભાગની ભૂમિકા નિર્ણાયક છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને પરિવારમાં સુખ અને શાંતિની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે, ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત શ્રી સતીશ શર્માએ તેમના સંબોધનમાં આવકવેરા વિભાગમાં થયેલા ઐતિહાસિક ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આયકર વિભાગ એક કાયદાના અમલીકરણ આધારિત સંગઠનમાંથી સેવા સંસ્થામાં પરિવર્તિત થયો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે 1990 માં સેવા શરૂ કરી હતી, ત્યારે ઓફિસ 100% કાગળ પર આધારિત હતી, જ્યારે આજે આખી સિસ્ટમ 100% ડિજિટલ બની ગઈ છે. તેમણે કહ્યું, “હવે કરદાતાને આવકવેરા કચેરીમાં આવવાની જરૂર નથી, 10 દિવસમાં રિફંડ મળી રહ્યું છે અને આકારણી પણ ફેસલેસ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારની આ એક અનોખી સિસ્ટમ છે, જેને ઘણા દેશો અપનાવવાનું વિચારી રહ્યા છે.કર પ્રણાલીમાં આમૂલ ફેરફારોની તુલના કરતાં, શ્રી શર્માએ જણાવ્યું કે પહેલા કર દર 60% સુધી હતો, જ્યારે હવે મહત્તમ દર 30% છે. તેમણે કહ્યું કે, 1990 માં કર વસૂલાત રૂ. 10,000 કરોડ હતી, જે હવે 22 લાખ કરોડને વટાવી ગઈ છે અને આ વર્ષે લક્ષ્ય 25 લાખ કરોડ છે. તેમણે આને કરદાતાઓની પ્રામાણિકતા, વિભાગની કાર્યક્ષમતા અને સરકારની કરદાતા-મૈત્રીપૂર્ણ નીતિઓનું પરિણામ ગણાવ્યું હતું. શ્રી શર્માએ કહ્યું કે પહેલા ફક્ત 40 લાખ લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરતા હતા, જ્યારે હવે આ સંખ્યા 9 કરોડ સુધી પહોંચી ગઈ છે, અને ચકાસણીના કેસોનો દર પણ 5% થી ઘટીને માત્ર 0.2% થયો છે.
આવકવેરા વિભાગના ટેકનોલોજીકલ વિકાસ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે અમને વાર્ષિક 60 કરોડથી વધુ નાણાકીય વ્યવહારો વિશે ફક્ત TDS રિટર્નથી માહિતી મળે છે, જેના કારણે રિટર્ન પહેલાથી ભરાય છે અને કરદાતાઓને પારદર્શક અને સચોટ સુવિધાઓ મળે છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવો આવકવેરા કાયદો (2025) કર પ્રણાલીને વધુ સરળ બનાવશે. શ્રી શર્માએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કરદાતાઓ પ્રત્યે સંવેદનશીલ બનવા, પોતાને તેમના સ્થાને મૂકીને નિર્ણયો લેવા અને ન્યાયી, કાર્યક્ષમ અને સમૃદ્ધ ભારત માટે માર્ગ મોકળો કરે તેવી કર વહીવટ પ્રણાલી વિકસાવવા હાકલ કરી હતી.
મુખ્ય આયકર આયુક્ત (TDS) શ્રીમતી અપર્ણા અગ્રવાલે સ્વાગત ઉદબોધન કર્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ આવકવેરા વિભાગમાં ઉત્તમ સેવા આપનારા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં કરપ્રત્યે જાગૃતિ ફેલાવવા યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આવકવેરા વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અને સિદ્ધિઓનું પ્રેઝન્ટેશન સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આવકવેરા વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કરદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




