
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટનું આયોજન UAE માં કરવા માટે તૈયાર છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં તેની ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે. ACC ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તમામ 25 સભ્ય દેશોએ સ્થળો પર ચર્ચા માટે ભાગ લીધો હતો. બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ તેના ઉપપ્રમુખ રાજીવ શુક્લા વર્ચ્યુઅલી કર્યું હતું. ACC ના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “BCCI એશિયા કપનું આયોજન UAE માં કરશે. ભારત પોતાની બધી મેચ દુબઈમાં રમે તેવી શક્યતા છે. શેડ્યૂલ હજુ પણ ચર્ચા હેઠળ છે.” આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં બે અઠવાડિયાથી થોડા વધુ સમય માટે ચાલશે. તે મહિનાના છેલ્લા અઠવાડિયા પહેલા સમાપ્ત કરવું પડશે. કારણ કે આ સમયે ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. બીજી તરફ, ઢાકામાં ACC પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને પણ ભારત-પાકિસ્તાન મેચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ કહ્યું નહીં. નકવીએ કહ્યું કે, અમે ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું. અમે BCCI સાથે આ અંગે ચર્ચા કરી હતી. હું અટકળોમાં માનતો નથી તેથી તમને થોડા દિવસોમાં સત્તાવાર રીતે ખબર પડી જશે.