
ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપી ચિરાગ રાજપૂત સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધાયો હતો. જેમાં તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેને નકારી દેવાતા તેને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને 25 હજાર રૂપિયાના મૂચરકે મંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચિરાગ રાજપૂતે PMJAY યોજનામાં કૌભાંડ આચરવા બદલ DCB પોલીસ મથકે નોંધાયેલ ગુના સામે પણ સિટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જો તે મંજૂર થશે તો ચિરાગ રાજપૂત જેલ મુક્ત થશે. ચિરાગ રાજપૂતની 1 ડિસેમ્બર, 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. પોલીસે ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસ અર્થે આરોપીનું સર્ચ કર્યું હતું. ત્યારે દારૂની બોટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીના વકીલ અજ્જ મુર્જાનીની દલીલ મુજબ પોલીસ સર્ચ દરમિયાન આરોપી ઘરે હાજર નહોતો, આમ તેના સભાન કબ્જામાંથી મુદ્દામાલ જપ્ત કરાયો નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે પોલીસે તપાસ દરમિયાન આરોપીના ઘરેથી 2.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 54 દારૂની બોટલોનો સમાવેશ થાય છે. આરોપી સામે પ્રથમદર્શી કેસ છે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી જ્યારે ભાગતો ફરતો હતો ત્યારે પોલીસે તેના ઘરે રેડ પાડી હતી. તેમાં વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી અને આરોપી સામે ગુનો નોંધાયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પોલીસે જ્યારે રેડ પાડીને દારૂ ઝડપ્યો ત્યારે આરોપી ઘરમાં નહોતો. તેની પાસે સભાન અવસ્થામાંથી મુદ્દામાલ મળ્યો નથી. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને આરોપીની જરૂરિયાત નથી. આરોપી સામે પૂર્વ ચાર ગુના છે, પરંતુ કોઈ ગુનો પ્રોહેબિશન એક્ટ અંતર્ગત નોંધાયેલ નથી. આ કેસ મેજિસ્ટ્રેટ ટ્રાયેબલ ગુનાનો છે.