
અમદાવાદના કણભા પોલીસ મથકે વર્ષ 2004માં તત્કાલીન પરઢોલ ગામના પોસ્ટમાસ્ટર સુનિલ પંચાલ સામે આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ દ્વારા પૈસાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસની ટ્રાયલ 20 વર્ષ ચાલ્યા બાદ CBI કોર્ટે આજે આરોપીને 3 વર્ષની સાદી કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. સરકારી વકીલ બી.એન.પ્રજાપતિની દલીલો, 34 સાહેદ અને 2 પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને સજા ફટકારી હતી. વર્ષ 2005માં દાખલ થયેલા આ કેસનો ચુકાદો 20 વર્ષે આવ્યો છે. આરોપી વર્ષ 2003થી 2004 દરમિયાન અમદાવાદમાં પરઢોલ ગામ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર હતા. ગ્રાહકો જે રકમ ખાતામાં જમા કરાવવા આવતા, તેમની પાસબુકમાં હાથથી એન્ટ્રી કરીને તેઓ સહી કરી દેતા પરંતુ, ખાતામાં રકમ જમા કરાવતા નહીં કે દફતરે રકમ મોકલતા નહીં. તેમણે કુલ આ રીતે 38 ખાતેદારોની 83,594 રૂપિયાની રકમની ઉચાપત કરીને પોતાની પાછળ ખર્ચી નાખી હતી. તપાસમાં એન્ટ્રી કરતા રોકડ ઓછી મળી આવી હતી. ખાતેદારોએ આરોપીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો. આરોપીનએ ગુન્હાની કબૂલાત પણ કરી હતી તેમજ રૂપિયા પરત ભરી દીધા હતા. જોકે, દાખલો બેસાડવા માટે આરોપીને પ્રોબેશનનો લાભ ના આપતા કોર્ટે 3 વર્ષની સાદી કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.