
રાજ્યમાં ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધા 7 જુલાઈથી શરૂ કરાઈ છે. જોકે આ પ્રક્રિયામાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે. આરટીઓ કર્મચારી મંડળના પૂર્વ મહામંત્રી ટી. એમ. પાટણવાડિયાએ જણાવ્યું કે ઘેર બેઠાં લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધામાં સૌથી મોટી ખામી એ છે કે એક મોબાઈલમાં તમે ટેસ્ટ આપો અને બીજામાંથી જવાબ શોધીને લખો. આ કારણે પરીક્ષાની પારદર્શિતા ખોરવાઈ રહી છે. અને મોટા ભાગના લોકો ઘેરબેઠાં બીજા મોબાઇલમાંથી જવાબ શોધી પ્રશ્નોના સાચા ઉત્તર લખી શકશે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અમુક એવા વ્હોટ્સઅપ નંબર અને યુટ્યુબ વીડિયોની લિંક જોવા મળે છે, જેમાં એવું બતાવે છે કે પૈસા આપીને લિંકનું એક્સેસ લઈ બીજાના લર્નિંગ લાઇસન્સ બનાવી શકાય છે.
જોકે ઘેરબેઠાં લર્નિંગ લાઇસન્સ મેળવવૅની પ્રક્રિયાની હજુ તો શરૂઆત છે, એટલે અધિકારીઓને નાની-મોટી ખામીઓ ધ્યાને આવતી નથી. સમય જતાં જ્યારે આ સમસ્યા મોટું સ્વરૂપ ધારણ કરશે ત્યારે ખબર પડશે કે સિસ્ટમ ક્યાં ભૂલ કરી રહી છે. જો કે આગામી સમયમાં જે સમસ્યા આવવૅની છે, તેના માટે પૂરતી તૈયારી કરી અત્યારે જ પગલાં લેવા જોઈએ. આરટીઓ કચેરી અને આઈટીઆઈ ખાતે આવી પરીક્ષા આપતા લોકોને પરીક્ષા શું હોય છે એ ખબર હોય છે, જેથી તેઓ પરીક્ષા પ્રત્યે ગંભીર હોય છે. સોશિયલ મીડિયામાં ખોટી રીતે પાસ કરાવવૅની જે લિંક ફરી રહી છે તેના વિશે પણ સાયબર પોલીસમાં ફરિયાદ કરી ગેરરીતિને જલ્દીથી અટકાવવી જોઈએ.