
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવી લસકાણાના યુવકે નિર્વસ્ત્ર કરાવી બ્લેકમેઈલ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવકે વીડિયો કોલમાં નિર્વસ્ત્ર કિશોરીના સ્ક્રીનશોટ લઇ વાઈરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી ₹93,000 રોકડા તથા સોનાના દાગીના પડાવી લીધા હતા. જોકે, કિશોરીએ ઘરમાં જ ચોરી કરતા ભાંડો ફૂટ્યો ને આખી હકીકત પરિવારજનોને જણાવી તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા મારફતે લસકાણામાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે તેને ફોસલાવી પટાવી તેના કપડા વીડિયો કોલમાં કઢાવી તેને નિર્વસ્ત્ર કરાવી હતી. આ દરમિયાન યુવકે તેના સ્ક્રિનશોટ પાડી લીધા હતા અને વાઈરલ કરવાની ધમકી આપી કિશોરીને બ્લેકમેઈલ કરતો હતો. બાદમાં કિશોરી પાસેથી રોકડા રૂપિયા 93000, બે સોનાના બ્રેસલેટ, બે કાનની બુટ્ટી પડાવી લીધી હતી. જેથી, બાદમાં ઘરમાં સઘળી હકીકત ખબર પડતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ મારફતે લસકાણામાં આવેલ શુભમ રો હાઉસમાં રહેતા 22 વર્ષીય કરણ ઘનશ્યામભાઈ હિરપરાના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયામાં જ વાતચીત થતી હતી પરંતુ, બાદમાં મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા હતા. આ દરમિયાન કરણે કિશોરીને પટાવી વીડિયો કોલમાં નિર્વસ્ત્ર કરાવી હતી. ત્યારબાદ તેના સ્ક્રિનશોટ પાડી લઈ ફોટા અને વીડિયો રેર્કોડિંગ વાઈરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી ઘરમાં રહેલ રોકડા રૂપિયાની તિજોરીમાંથી ચોરી કરવા મજબૂર કરી હતી. કિશોરીએ ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા 93 હજાર, 2 સોનાના બ્રેસલેટ અને સોનાની કાનની બુટ્ટી સહિતના દાગીના કરણને આપી દીધા હતા.
ઘરમાંથી દાગીના ગાયબ હોવાથી પરિવારને જાણ થતા દીકરીએ તમામ હકીકત પરિવારને જણાવી દીધી હતી. જેથી, તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ હિરપરા સામે ફરિયાદ દાખલ કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.