
રાજકોટના પૂર્વ વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા આ વખતે સતત ત્રીજા વર્ષે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં સારા માર્કસથી ઉતીર્ણ થતા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આ વર્ષે 664 વિદ્યાર્થીઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા શિલ્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓના વધતા આપઘાતના બનાવોને લઈને આ કાર્યક્રમના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી હતી. વાલીઓને ટકોર કરી હતી કે, વિદ્યાર્થીઓ થોડા માર્કસ માટે નાપાસ થાય તો તેમને મહેણાં-ટોણા ન મારતા. વિદ્યાર્થીઓ પણ નબળા પરિણામને લઈ આપઘાતનું પગલું ન ભરે તેવી મારી વિનંતી છે. આજે યોગાનુયોગ કારગીલ વિજય દિવસ હોવાથી તેની પણ સૌ કોઈને શુભેચ્છા પાઠવી હતી અને ભારત માટે શહીદ થયેલા વીર જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા.
શહેરના પેડક રોડ ઉપર અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલમાં રાજકોટ પૂર્વ વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા આ વખતે સતત ત્રીજા વર્ષે બોર્ડના પરિણામમાં ઉતીર્ણ થતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે સામાકાંઠા વિસ્તારના 700 જેટલા બોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી તેમનુ અભિવાદન કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષે 664 વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાનગડના ફોટાવાળા શિલ્ડ આપી સન્માન કરાયું હતુ.
આ તકે કાર્યક્રમના અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હાલ સ્પર્ધાત્મક સમય છે. હવે વિદ્યાર્થીઓએ તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ સ્પર્ધા કરવાની નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે. આ સમયે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે તૈયારી કરી નંબરો મેળવે એ ઈચ્છનીય છે. જેના માટે તેમને અભિનંદન આપવામાં આવે છે. પરંતુ વાલીઓને એ તકેદારી રાખવાની જરૂર છે કે પોતાના સંતાનો કદાચ એક કે બે માર્ક માટે સ્પર્ધામાં ન આવે અથવા નાપાસ થાય તો તેઓને મહેણાં-ટોણા મારી નિરુત્સાહ તરફ ન દોરી જવું જોઈએ. વિશ્વ વિશાળ ફલક ઉપર છે. યુવાનો માટે ઘણી બધી તકો છે, જેથી વાલીઓ પોતાના સંતાનોને મહેણાંને બદલે પ્રોત્સાહન આપી ફરીથી સ્પર્ધામાં ઉતારે તેવી અપીલ છે.