
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલા એક કાપડ કારખાનાના માલિક સાથે આશરે રૂપિયા 4,79,44,545 રકમની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ છેતરપિંડીમાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓને સચીન GIDC પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં કારખાનાના સેલ્સમેન, 2 દલાલો અને 17 વેપારીઓ સહિત કુલ 21 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂળ દિલ્હીના વતની અને હાલ વેસુ, ફ્લોરન્સ બિલ્ડિંગમાં રહેતા અમિત સુરજમોહન વિગ, સચિન GIDCમાં “વિગ વિવ્સ પ્રા. લિ.” નામે કાપડનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં છેલ્લા સાતેક વર્ષથી દ્રોન રવિ ખન્ના (રહે, શુંગાર રેસીડેન્સી, નંદીની-1 પાસે, વેસુ) સેલ્સમેન તરીકે કાર્યરત હતો. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે રહેતા રાજેશ ખન્ના અને સીતાપુર ખાતે રહેતા રવિ બ્રિજમોહન ખન્ના કાપડ દલાલીનું કામ કરતા હતા. વર્ષ 2024માં અમિત વિગના પિતાની તબિયત લથડતાં જાન્યુઆરી 2024થી જુલાઈ 2024 દરમિયાન તેઓ પિતાની સેવામાં વ્યસ્ત હોવાથી કારખાના પર આવી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન કારખાનાનો સંપૂર્ણ વ્યવહાર સેલ્સમેન દ્રોન સંભાળતો હતો. આ તકનો ગેરલાભ ઉઠાવીને દ્રોને દલાલ રવિ અને રાજેશ મારફતે ઉત્તર પ્રદેશના કાનપુર, મેરઠ, સીતાપુર, જોધપુર અને પ્રયાગરાજ સહિતના વિસ્તારના 17 વેપારીઓને કુલ રૂપિયા 4,79,44,545ની કિંમતનું કાપડ ઉધારમાં આપ્યું હતું. જોકે, આ કાપડનું પેમેન્ટ ક્યારેય ચૂકવવામાં આવ્યું ન હતું.
જુલાઈ 2024માં અમિત વિગ કારખાના પર પાછા ફર્યા ત્યારે તેમણે હિસાબ તપાસ્યો. આ તપાસમાં તેમને જાણ થઈ કે આ વેપારીઓએ કાપડના નાણાં ચૂકવ્યા ન હતા. જ્યારે અમિત વિગે વેપારીઓને ફોન કરીને ઉઘરાણી કરતા તેમણે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. દલાલોએ પણ પોતાના હાથ ઊંચા કરી દીધા હતા. આખરે અમિત વિગે સેલ્સમેન દ્રોન, દલાલ રવિ અને રાજેશ તથા 17 વેપારીઓ સહિત કુલ 21 જણા વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન સચિન GIDC પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે રાજસ્થાન ખાતેથી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓમાં મોહમદ રઇશ મોહમદ તાહિર શેખ ઉ.વ.31, રહેવાસી: પ્લોટ નં-122, બાપુ કોલોની, નવી કોહિનુર સીનેમાની સામે, પ્રતાપનગર, થાના—સદર, જી-જોધપુર, રાજસ્થાન અને મોહમદ અફઝલ મોહમદ ઇકબાલ શેખ ઉ.વ.36, રહે: કબુતરા ચોક, નાગોરી સીલ્વાટનનો મહોલ્લો, જોધપુર, રાજસ્થાન છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. આ મોટાપાયે થયેલી છેતરપિંડીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં આ પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.