ગાંધીનગરના માણસામાં ગેરકાયદે રેતી ખનન પર રેડ પાડી : સાબરમતી નદીપટ્ટમાં બે ડમ્પર સહિત 1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત, દંડકીય કાર્યવાહી શરૂ

Spread the love

 

 

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડ ગામે સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ભુસ્તર તંત્ર દ્વારા આકસ્મિક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા બે ડમ્પર સહિત આશરે 1.28 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાની ક્ષેત્રિય ટીમના માઈન્સ સુપરવાઈઝર આર.જે.આયર દ્વારા 25 જુલાઈ, 2025ના રોજ સવારે 11:00 કલાકે આ રેડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન કોબેલ્કો કંપનીનું એક્સ્કેવેટર મશીન નંબર YN15-B1296 (મોડેલ નંબર SK220XD-10) થી સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન કરી વાહન ડમ્પર નંબર GJ-01-KT-3432માં બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવ્યું હતું. આ મશીન અને ડમ્પર વાહનના માલિક અનિરુદ્ધસિંહ ચંપાવત છે. ખોદકામની કામગીરી રમેશભાઈ જીવાજી રાઠોડ દ્વારા કરવામાં આવી રહી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પરમિશન વગર સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન થઈ રહ્યું હતું. આ કારણે કુલ બે મશીન/ડમ્પર અને ખનિજ મળીને આશરે 1.20 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે બિનઅધિકૃત ખોદકામ કરેલ સાદી રેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જપ્ત કરેલ મશીન અને વાહન માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *