સરકારી અધિકારીઓને ત્યાં દરોડામાં બેહિસાબ સંપત્તિ મળી

Spread the love

 

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારવિરોધી એક મોટા ઓપરેશન હેઠળ વિજિલન્સના અધિકારીઓએ ઓડિશાના ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જર રામચંદ્ર નેપક સાથે સંકળાયેલી સંભવિત જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં દરમિયાન કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિ સામે આવી. તપાસ ટીમને એક ગુપ્ત રૂમમાં છુપાવવામાં આવેલા 500 અને 200 રૂપિયાના નોટોમાંથી 1.44 કરોડ રૂપિયાની રોકડ, ચાર સોનાના બિસ્કિટ, દરેક 10 ગ્રામ વજનવાળા 16 સોનાના સિક્કા, આશરે 1.5 કિલોગ્રામ સોનાના દાગીના અને ચાર કિલોગ્રામથી વધુ ચાંદી મળી છે.

અધિકારીને ત્યાં દરોડા એકસાથે છ સ્થળોએ મારવામાં આવ્યા હતા, જેમાં જયપુરમાં નેપકનું નિવાસસ્થાન, એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં બે ફ્લેટ, તેમના સસરાનું ઘર, ભુવનેશ્વરમાં તેમનો ભાઈ રહે છે ત્યાંનું ઘર અને તેમની ઓફિસનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓએ તેમને નામે અનેક મિલકત ઓળખી છે, જેમાં ભુવનેશ્વરમાં એક ફ્લેટ, જયપુરમાં ત્રણ ફ્લેટ, એક મકાન અને બે પ્લોટનો સમાવેશ થાય છે.નેપક આ વર્ષના અંતે નિવૃત્ત થવાના છે. એવું કહેવાય છે કે તેમણે તેમના ઘરમાં મોટી માત્રામાં રોકડ અને કીમતી વસ્તુઓ છુપાવવા માટે ગુપ્ત ખૂણાઓ અને ડબ્બાઓનો ઉપયોગ કર્યો હતો. વધી રહેલા પુરાવાઓ છતાં તેમણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

આ વચ્ચે, રાજસ્થાનમાં એક અલગ કાર્યવાહી દરમિયાન ACB અધિકારીઓએ સિરોહી જિલ્લામાં કાર્યરત ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટર સુજાણારામ ચૌધરીના નામે લગભગ 2.5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ શોધી કાઢી છે. જાલોર, માઉન્ટ આબુ, જોધપુર અને ભીનમાલમાં તેમના સંકળાયેલા સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવી.

 

તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની સંપત્તિ તેમની જાણીતી આવકની સરખામણીએ 200 ટકા વધુ છે અને તેમાં અનેક રહેઠાણ અને વેપારી મિલ્કતોનો સમાવેશ થાય છે તેમ જ તેમના અને તેમના પરિવારના બેંક એકાઉન્ટ્સ સાથે સંકળાયેલા મોટી નાણાંકીય લેવડદેવડ પણ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે બંને કેસમાં દસ્તાવેજો, બેંક રેકોર્ડ અને મિલ્કત માલિકી અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *