Haridwar Mansa Devi Stampede: દેહરાદૂન સ્થિત હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી છ લોકોના મોત થયા છે, જેમાં એક બાળક પણ સામેલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે તેઓ આ સંબંધમાં સ્થાનિક પ્રશાસનના સતત સંપર્કમાં છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જાણો વહેલી સવારે મંદિરમાં કેવી રીતે બની દુર્ઘટના…
કેવી રીતે બની ઘટના
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના મનસા દેવી મંદિરથી લગભગ 100 મીટર પહેલા સીડી પર બની હતી. રવિવારનો દિવસ હોવાથી દેવીના દર્શન અને આશીર્વાદ લેવા માટે સેંકડો ભક્તો મંદિરે પહોંચ્યા હતા. અચાનક કંઈક એવું બન્યું કે ભાગદોડ મચી ગઈ અને લોકો એક પછી એક પડવા લાગ્યા. ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
બચવા માટે લોકો એકબીજા પર ચડી ગયા
ઘટના બાદ મંદિર પરિસરને શ્રદ્ધાળુઓથી ખાલી કરાવવામાં આવ્યું છે. ઘણા શ્રદ્ધાળુઓને બેભાન અવસ્થામાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. મંદિરથી પરત ફરેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે રવિવારના કારણે સવારથી જ મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ભરાઈ ગયું હતું. ભયાવહ દ્રશ્ય હતું, બચવા માટે લોકો એકબીજા પર ચડતા ગયા.
મેલા હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક ભક્તે જણાવ્યું હતું કે મંદિર સુધી જવા માટે સીડીઓ ચઢતા અને ઉતરતા લોકોની ભીડ નિયંત્રણ બહાર જવાને કારણે આ ઘટના બની હતી. લોકો ધક્કામુક્કી કરતા એકબીજા પર ચઢી ગયા હતા. ભાગદોડ મચી હતી જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.