
દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 18 કાવડિયાનાં મોત થયાની આશંકા હતી, જેમાંથી 5 કાવડિયાનાં મોત કન્ફર્મ થયાં છે. ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે અને તેમની હાલત ગંભીર છે. મૃતકોમાંથી 4 બિહારના રહેવાસી છે. મંગળવારે સવારે 5 વાગ્યે દેવઘરના મોહનપુર બ્લોકમાં જામુનિયા ચોક પાસે નવાપુરા ગામમાં આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળમાં ઘણા મૃતદેહો ફસાયેલા છે, તેમને કાઢવાના પ્રયાસો ચાલુ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો અડધો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. યાત્રાળુઓની બેગ અને સામાન વેરવિખેર પડ્યો હતો. 4 મૃતકો બિહારના ગયાજીના માસૂમગંજના હોવાનું કહેવાય છે. 40 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ દેવઘરથી બાસુકીનાથ જઈ રહી હતી. દેવઘરથી 18 કિમી દૂર સામેથી આવી રહેલા સિલિન્ડર ભરેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઈવરને જોલુ આવી જતા આ અકસ્માત થયો હતો. ટક્કર બાદ ડ્રાઈવર સીટ સાથે રસ્તા પર પટકાયો હતો, તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત બાદ ઘટનાસ્થળે ખૂબ જ બૂમો અને ચીસો પડી હતી. સ્થાનિક ગ્રામજનોએ ઘાયલ યાત્રાળુઓને બસમાંથી બહાર કાઢ્યા અને મોહનપુર પોલીસ સ્ટેશનને જાણ કરી. બસમાં સવાર એક મુસાફર મોતીહારીના સુરેન્દ્ર યાદવે જણાવ્યું, ‘બસ સવારે 5 વાગ્યે દેવઘરથી આવી રહી હતી. બસ એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ. ત્યારબાદ ડ્રાઈવર સીટ સાથે રસ્તા પર પડી ગયો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું.’ એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ડ્રાઇવર વિના બસ 100 મીટર દોડી ગઈ અને ઇંટોના ઢગલા સાથે અથડાયા પછી અટકી હતી. અકસ્માતની માહિતી મળતા જ એસપી, થાણેદાર સહિત ઘણા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દેવઘર સદર હોસ્પિટલથી પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, ‘મૃત્યુઆંક વધી શકે છે.’