કોઈપણ ટેસ્ટ કે ચેકઅપ માટે જાઓ તો કેટલીક વાતોનું ધ્યાન જરૂરથી રાખવું. ચેકઅપ માટે જવાનું હોય તે પહેલા કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. આ કામ એવા છે જેની અસર તમારા ટેસ્ટના પરીણામ પર થઈ શકે છે. તેના કારણે ટેસ્ટના પરીણામ ચોક્કસ આવશે નહીં.
બ્લડ પ્રેશર ચેક કરાવતાં પહેલા ન પીવી કોફી
હેલ્થ ચેકઅપ માટે જવાનું થાય તો સૌથી પહેલા વજન અને બીપી ચેક થાય છે. તેથી સલાહ આપવામાં આવે છે કે હોસ્પિટલ જવાના એક કલાક સુધીમાં કોફી કે અન્ય સોફ્ટ ડ્રિંકનું સેવન કરવું નહીં. કારણ કે તેનાથી બીપી પર અસર થાય છે. કોફી કે સોફ્ટ ડ્રિંક પીધા બાદ બીપી ચેક કરવામાં આવે તો તે વધારે કે ઓછું આવી શકે છે.
શરદીની દવા ન લેવી
તમે શરદી કે ઉધરસની દવા લેતા હોય તો હેલ્થ ચેકઅપ પહેલા આ દવા લેવી નહીં. આ દવા લેવાથી ચેકઅપ દરમિયાન અસામાન્ય લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ જો અનિવાર્ય સંજોગોમાં દવા લેવી પડી હોય તો ડોક્ટરને તેના વિશે જણાવી દેવું.
ત્વચાના ડોક્ટર પાસે જતા પહેલા મેનિક્યોર, પેડિક્યોર
ત્વચાની સમસ્યા હોય અને તેના નિષ્ણાંત પાસે દવા લેવા જવાનું હોય તો ખાસ ધ્યાન રાખવું કે નખ પર નેલપોલિશ ન કરેલી હોય અથવા મેનિક્યોર, પેડિક્યોર કરાવ્યું ન હોય. કારણ કે ઘણીવાર નખ પરથી બીમારી વિશે જાણી શકાય છે. નખ સાફ હશે તો બીમારી વિશે ચોક્કસ તારણ મળી શકે.
કોલેસ્ટ્રોલ ચેકઅપ પહેલા આલ્કોહોલનું સેવન
કોલેસ્ટ્રોલનું સ્તર ચેક કરાવવું હોય તો જરૂરી છે કે તેની પહેલા તમે આલ્કોહોલનું સેવન કર્યું ન હોય. કારણ કે તેનાથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર બદલી જાય છે.
મેમોગ્રામ પહેલા ડિયોડ્રંટનો ઉપયોગ
મહિલાઓએ મેમોગ્રામ કરાવતા પહેલા ડિયોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ડિયો અને પાવડરમાં એલ્યૂમિનીયમ હોય છે જે મેમોગ્રામનું ચોક્કસ પરીણામ લાવવામાં બાધા ઉત્પન્ન કરી શકે છે.