
આજે સવારે રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સરવે (USGS) અનુસાર, તેનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:54 વાગ્યે નોંધાયો હતો.
રોઇટર્સના અહેવાલ મુજબ, ભૂકંપ પછી, કામચાટકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 4 મીટર ઊંચા સુનામીના મોજા ઉછળ્યા હતા. આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો અને ઘરોને નુકસાન થયું છે. એક કિન્ડરગાર્ટન સ્કૂલને પણ નુકસાન થયું છે. કેટલાક ઘરોની છત તૂટી પડી હતી, જેના કારણે લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
ભૂકંપ પછીની પરિસ્થિતિને જોતા, જાપાન, અમેરિકા, ચીન સહિત 12 દેશો (કેનેડા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ અને પેસિફિક ટાપુઓ, ચીન, ફિલિપાઇન્સ, તાઇવાન, ઇન્ડોનેશિયા)ના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે આપત્તિ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.