લીબડી -પાણશીણા ચેક પોસ્ટ પર રાજકોટની એનઆરઆઇ મહિલાની કારમાંથી પરમીટવાળી દારૃની ચાર બોટલ મળી હતી. પાણશીણા પોલીસે ધાકધમકી આપી 49 હજારનો તોડ કર્યો હતો. બાદમાં આ જ પરિવાર પાસે લીંબડી પોલીસે પરમીટવાળી દારૃની બે બોટલ પડાવી લીધી હતી. આ મામલે પરિવારે પાણશીણા અને લીંબડી પોલીસ મથકના બે કોન્સ્ટેબલ અને છ વહિવટદાર સહિત આઠ શખ્સો સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
નોંધનીય છે કે એસપીએ બે કોન્સ્ટેબલને બદલી કરી સંતોષ માની લીધો હતો.
અમદાવાદથી રાજકોટની એનઆરઆઈ મહિલા વતન રાજકોટ જઈ રહી હતી ત્યારે પાણશીણા ચેકપોસ્ટ પર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિનોદ દુદાભાઈ પાટડીયા તેના વહિવટદારોે નરેન્દ્ર વાધેલા, લખધીર ઉર્ફે મુન્નો ઝાલાએ રાત્રીના સમયે પરીવારની કાર રોકીને તપાસ હાથ ધરી હતી. જેમાં પરીવાર પાસેથી પરમીટ વાળી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવતા હાઈવે પર હેરાન કરીને દારૃના કેસમાં ફીટ કરવાની ધમકી આપીને રૃ.49 હજારનો તોડ કર્યો હતો. ત્યાર બાદ પાણશીણા ચેક પોસ્ટના પોલીસ કર્મીએ લીંબડી પોલીસને જાણ કરી હતી.
બાતમીવાળી કાર લીંબડી નજીક પહોંચી ત્યારે લીંબડી પોલીસે અવંતિકા હોટલ નજીક કારને આંતરી હતી. લીંબડી પોલીસ સ્ટેશનનાં પો.કો. મનહરસિંહ રાણા તથા વહિવટદારો વિજય જયંતીલાલ લકુમ, રોનક દલપતભાઈ પરમાર, રાહુલ કાનજીભાઈ રાઠોડ, ઘનરાજ જયેન્દ્રસિંહ ઝાલા સહિતના ભેગા મળીને એનઆરઆઈ મહિલાની કારના ચાલકને માર મારી તથા તેમના પરીવારના સભ્યનો કાઠલો પકડી કારમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને તેમની પાસેથી પરમીટ વાળી વિદેશી દારૃની 2 બોટલ પડાવી લીધી હતી.પાણશીણા પોલીસ અને લીંબડી પોલીસના વર્તનને લઇ એનઆરઆઈ પરીવાર દ્વારા જિલ્લાં પોલીસ વડાને ઘટનાની જાણ કરી હતી. તેના પર જિલ્લા પોલીસ વડાની સુચનાથી એનઆરઆઈ પરીવારનો તોડ કરનાર બંને પોલીસ કર્મીની તાત્કાલિક સુરેન્દ્રનગર હેડક્વાર્ટર બદલી કરી છ વહિવટદાર સહિત આઠ શખ્સો વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.