રાજકોટ,તા.31 મંગળવારે એક મહત્વપુર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કર્મચારી વળતર અધિનિયમ, 1923ની કમલ-3ની જોગવાઈ, રોજગાર દરમ્યાન અને તેના કારણે થતાં અકસ્માતો” માં નિવાસસ્થાન અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરી કરતી વખતે થતાં અકસ્માતોનો પણ સમાવેશ થશે. એટલે કે, ફરજ પર જતા અથવા આવતા સમયે થતાં અકસ્માતોને પણ સેવા દરમ્યાન થતાં અકસ્માતો તરીકે ગણવામાં આવશે.
ન્યાયધીશ મનોજ મિશ્રા અને ન્યાયધિશ કે.વી.વિશ્વનાથની બેન્ચે સ્વીકાર્યુ કે અત્યાર સુધી આ વિષય પર ઘણી મૂંજવણ અને અસ્પષ્ટતા હતી. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યારે કર્મચારીઓ ફરજ પર આવતા કે જતા અકસ્માતોનો ભોગ બને છે. બેન્ચે કહ્યું કે તથ્યોના આધારે વિવિધ નિર્ણયોમાં આ એકટનું અલગ અલગ અર્થઘટન કરવામાં આવ્યું છે.
બેન્ચે કહ્યું- ‘અમે કર્મચારી વળતર કાયદાની કલમ-3માં ઉપયોગમાં લેવાયેલા ‘કામ દરમ્યાન અને કારણે અકસ્માત” શબ્દનું અર્થઘટન એવી રીતેકરીએ છીએ કે તેમાં કર્મચારી સાથે તેના નિવાસસ્થાનથી ફરજ પર કાર્યસ્થળ પર જતા અથવા ફરજ પછી કાર્યસ્થળથી તેના નિવાસસ્થાન પર પાછા ફરતી વખતે અકસ્માતનો સમાવેશ થાય છે, જો કે અકસ્માતના સંજોગો, તેના સમય, સ્થળ અને રોજગાર વચ્ચે જોડાણ સ્થાપિત કરવું આવશ્યક છે.”
બોમ્બે હાઈકોર્ટના ડિસમ્બર 2011ના આદેશને પડકારતી અરજીની સુનવણી કરતે વખતે આ નિર્ણય આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે શ્રમ વળતર કમિશનરના આદેશને રદ કર્યો હતો, જેમાં એક વ્યક્તિના પરિવારને 3,26,140 રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ વ્યક્તિનું ફરજ પર જતી વખતે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મૃતક ખાંડ ફેક્ટરીમાં ચોકીદાર તરીકે નોકરી કરતો હતો અને 22 એપ્રિલ, 2003ના રોજ અકસ્માતના દિવસે તેનો ફરજનો સમય સવારે 3 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો હતો.
બેન્ચે કહ્યું કે તે નિર્વિવાદ છે કે તે તેના કાર્યસ્થળ તરફ જઈ રહ્યો હતો અને કાર્યસ્થળથી લગભગ પાંચ કિલોમીટર પહેલા એક સ્થળે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.ભારતીય મજદુર સંઘનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેની યાદીમાં જણાવાયું છે.