ગુજરાત પોલીસમાં બઢતી અને બદલીના આદેશો અચાનક થતા હોય છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસકર્મીઓની બઢતી અને બદલી કરવા માટે નવી પહેલ કરવામાં આવી છે. પોલીસની કામગીરી અંગે હવે લોકોના અભિપ્રાય લેવામાં આવશે. આ અભિપ્રાયના આધારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી કરવામાં આવશે.
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકોના અભિપ્રાયના આધારે પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી કરવાની પહેલ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ માટે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 10 હજાર જેટલા નાગરિકોનો અભિપ્રાય લેવામાં આવશે.અત્યાર સુધીમાં 3400 લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે.બુધ્ધિજીવી લોકોથી લઈને સામાન્ય લોકો સુધી તમામના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે.ક્યાંક સારા તો ક્યાંક નબળા અભિપ્રાય પણ મળી રહ્યા છે.
લોકો સાથેનો વ્યવહાર સારો બનાવવાનો ગૃહ વિભાગનો હેતુ
પોલીસ અધિકારી અને કર્મચારીઓનો લોકો સાથેનો વ્યવહાર સારો બનાવવાનો ગૃહ વિભાગનો હેતુ છે. ગૃહ વિભાગ દ્વારા લોકોને કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે તેની વાત કરીએ તો,આપના વિસ્તારના ACP, DYSPની કામગીરી કેવી છે, અધિકારીઓ ફિલ્ડમાં જોવા મળે છે?, પોલીસ અધિકારીઓેનો જાહેર જનતા સાથેનો વ્યવહાર અને અભિગમ કેવો છે, અધિકારીઓના હકારાત્મક અને નકારાત્મક પાસાઓ શુ છે, પોલીસ સ્ટેશનમાં PI કે DYSP ની કામગીરી કેવી છે? આ પ્રકારના સવાલોના આધારે લોકોનો અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે.