સેબી વીકલી એક્સપાયરીને ખતમ કરવા અને ઓપ્શન ટ્રેડિંગ પર નિયંત્રણ લાવવાની યોજના પર વિચાર કરી રહી છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ, બીએસઈ, સીડીએસએલ અને મોતીલાલ ઓસ્વાલ જેવા સ્ટોકમાં ભાવ ઘટાડો જોવા મળ્યો.
સેબીની આ સંભવિત યોજનાની સૌથી મોટી અસર BSEના શેર પર પડી, જે 3% થી વધુ ઘટ્યા. બીજી તરફ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ (CDSL) અને મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરમાં પણ લગભગ 1-1% ઘટાડો થયો.
એન્જલ વનના શેરમાં લગભગ અડધા ટકાનો ઘટાડો થયો. આ ઘટાડો મહત્વપૂર્ણ છે કારણ કે આ બધી કંપનીઓ સીધી રીતે મૂડી બજાર સાથે જોડાયેલી છે, અને જો ઓપ્શન ટ્રેડિંગમાં કોઈ ફેરફાર થાય છે, તો તેમના વ્યવસાયને સીધી અસર થઈ શકે છે.
સેબીના કન્સલ્ટેશન પેપરમાં શું છે?
સુત્રોનું માનીએ તો સેબી ટૂંક સમયમાં એક કન્સલ્ટેશન પેપર બહાર પાડવા જઈ રહી છે, જેનો હેતુ ઓપ્શન ટ્રેડિંગને રોકવાનો છે. સેબી અને નાણા મંત્રાલય વચ્ચેની બેઠકમાં એ વાત સામે આવી કે વીકલી એક્સપાયરી ફક્ત સટ્ટાને પ્રોત્સાહન આપી રહી છે, જે અર્થતંત્ર માટે ફાયદાકારક નથી. સેબી હવે ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે. આમાં વીકલી એકસપાયરીને દૂર કરીને તેને દ્વિમાસિક અથવા માસિક બનાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓપ્શન ટ્રેડિંગ માટે માર્જિન આવશ્યકતાઓ વધારવા અને રોકડ વેપાર માટે માર્જિન આવશ્યકતાઓ ઘટાડવાની પણ યોજના છે.
આ ઉપરાંત, સેબી બીજા એક મહત્વપૂર્ણ પગલા પર વિચાર કરી રહી છે જેમાં ઓપ્શન ટ્રેડિંગ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારી શકાય છે, જ્યારે કેશ ટ્રેડિંગને પ્રોત્સાહન આપવા માટે STT ઘટાડી શકાય છે. જો કે, આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ પહેલાં STT સંબંધિત ફેરફારો શક્ય નથી. સેબી ટૂંક સમયમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે એક ચર્ચા પત્ર બહાર પાડશે, ત્યારબાદ તેનું બોર્ડ અંતિમ નિર્ણય લેશે.
91% વેપારીઓ નુકસાન સહન કરી રહ્યા છે
સેબીના તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2025 માં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) માં વ્યક્તિગત વેપારીઓનું ચોખ્ખું નુકસાન ગયા વર્ષના રૂ. 74,812 કરોડથી 41% વધીને રૂ. 1,05,603 કરોડ થયું. આમાં ટ્રાન્જેક્શન કોસ્ટ પણ સામેલ છે. અભ્યાસ મુજબ, 91% એટલે કે 10 માંથી 9 વેપારીઓ F&Oમાં નુકસાન કરી રહ્યા છે. આમ છતાં, બે વર્ષ પહેલાની સરખામણીમાં યુનિક ઇંડીવિઝુઅલ ટ્રેડર્સની સંખ્યામાં 24%નો વધારો થયો છે, જોકે વાર્ષિક ધોરણે તેમાં 20%નો ઘટાડો થયો છે. ખાસ કરીને રૂ. 1 લાખથી ઓછા ટર્નઓવર ધરાવતા વેપારીઓની સંખ્યામાં સૌથી વધુ વધઘટ જોવા મળી છે.