કોર્ટની અવમાનનાં અને તિરસ્કાર બદલ 3 માસની જેલ અને 1 લાખનો દંડ, કોર્ટ મિત્રથી લઈને જજીસ અને ચિફ જસ્ટિસ સામે આરોપો કર્યા હતા

Spread the love

 

 

હાઇકોર્ટ અને રાજ્યની નીચલી અદાલતોમાં વકીલાત કરવાનો દાવો કરનાર અને ચીફ જસ્ટિસ સહિત અનેક જજો વિરૂદ્ધ પાયાવિહોણા, ખોટાં અને નિંદાત્મક આરોપો કરનારા વકીલ દેવેશ ભટ્ટને હાઇકોર્ટે ત્રણ મહિનાની જેલ અને રૂપિયા 1 લાખના દંડની સજા ફટકારી છે. હાઇકોર્ટે દેવેશ ભટ્ટ સામેની સુઓમોટોમાં તેને સિવિલ અને ક્રિમીનલ કન્ટેમ્પ્ટ માટે દોષિત ઠરાવી તેની ભારોભાર ટીકા કરતો વિસ્તૃત ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કાર્યવાહી દરમિયાન વકીલને પૂરતી તકો આપવામાં આવી હોવા છતાં, તેણે કોઈ માફી માંગી ન હતી; તેનાથી વિપરીત તેણે અપમાનજનક વર્તન ચાલુ રાખ્યું હતું. તેણે વિવિધ કોર્ટના જજો વિરૂદ્ધ બદનક્ષીભર્યા આરોપો લગાવીને કોર્ટની ગરિમાને લાંછન લગાડવા વકીલે વ્યવસ્થિત રીતે ઝુંબેશ ચલાવી હતી.
જેલ હવાલે કરી 5 લાખ જમા કરાવવા આદેશ આપ્યો હતોઃ હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, કન્ટેમ્પ્ટ કરનાર વકીલના આચરણથી કોર્ટની ગરિમાને લાંછન લગાડનારૂં છે. આ કેસના કોર્ટ મિત્ર વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા, માનનીય જજો સામે કાર્યવાહી કરવાની માંગ કરવા અને જજો અને ચીફ જસ્ટિસના નામ સાથે અખબારોમાં જાહેર નોટિસ પ્રકાશિત કરવાના તેના કૃત્યો ન્યાયીક વહીવટમાં દખલગીરી સમાન છે. જે નિઃશંકપણે કોર્ટની ગરિમા ઉપર આ કુઠારાઘાત છે. તેનું વર્તન કોર્ટની કાર્યવાહીને અસર કરે છે. જેનાથી કોર્ટની બદનામી અથવા અનાદર થાય છે. કાયદાના શાસનના સ્ત્રોત અને પ્રવાહને ખરાબ કરીને તેની સર્વોપરિતાને પડકારનારી વ્યક્તિ સામે આકરી કાર્યવાહી જરૂરી છે. આ કેસમાં ભૂતકાળમાં વકીલની હાજરી સુનિશ્ચિત કરવા માટે જામીનપાત્ર વોરંટ તેમજ બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. તેની ધરપકડ પણ કરાઇ હતી અને જેલ હવાલે કર્યો હતો અને રૂપિયા 5 લાખ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં હાજર રહેવાનું હોવા છતાંય તે હાજર રહ્યો નહોતો.
હાઈકોર્ટના પૂર્વ જજને 21 દિવસની અંદર જવાબ આપવા નોટિસ મોકલી હતીઃ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કન્ટેમ્પ્ટ કરનાર વકીલ હાઇકોર્ટ અથવા અન્ય કોઈ ફોરમ સમક્ષ કેસ કરે, પછી જજો અથવા ન્યાયિક અધિકારીઓ સામે બદનક્ષી ભર્યા આરોપો લગાવવાની વૃત્તિ ધરાવે છે. પ્રમુખ જજોને ડરાવવાની આ પદ્ધતિ તેણે લગભગ દરેક એ કોર્ટમાં અપનાવી છે, જ્યાં તેણે કેસ દાખલ કર્યો હોય. વર્ષ 2010 માં તેણે હાઇકોર્ટના એક પૂર્વ જજને 21 દિવસની અંદર જવાબ આપવા માટે નોટિસ મોકલી હતી. અને જો જવાબ ન મળે તો કાયદા મુજબ પગલાં લેવાની ચીમકી આપી હતી. તેણે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચના પૂર્વ પ્રમુખ અધિકારીને પણ નોટિસ મોકલી હતી. હાઇકોર્ટના રજિસ્ટ્રાર અને ટ્રાયલ કોર્ટના ન્યાયિક અધિકારીઓને પણ નોટિસ મોકલી હતી. 2006 માં તેણે એક અખબારમાં જાહેર નોટિસ આપીને તત્કાલીન ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. તેણે આવી કુલ 52 નોટિસો આપી હતી.
કોર્ટે ત્રણ મહિનાની સાદી કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યોઃ હાઇકોર્ટે નોંધ્યું હતું કે વકીલે માત્ર ઉદ્ધત વર્તન જ કર્યું નથી, પરંતુ જજો, ચીફ જસ્ટિસ અને ન્યાયિક અધિકારીઓ વિરુદ્ધ નિંદાત્મક અને બદનક્ષીભર્યા આરોપો લગાવીને કોર્ટની ગરિમાને હણવા અને અપમાનિત કરવા માટે વ્યવસ્થિત રીતે ઝુંબેશ ચલાવી હતી. કોર્ટ મિત્ર તરીકે નિયુક્ત સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ આ કેસમાં દલીલ કરી હતી કે તિરસ્કારની કાર્યવાહી પેન્ડિંગ હોવા છતાં પણ તેણે હાઇકોર્ટના જજો સામે બદનક્ષીભર્યા હુમલા ચાલુ રાખ્યા હતા. સાથે જ એડવોકેટ પંડ્યા સામે આરોપો લગાવ્યા હતા કે તેઓ સ્વતંત્ર રીતે કોર્ટ મિત્ર તરીકેની ફરજ નિભાવી રહ્યા નથી. અંતમાં હાઇકોર્ટે વકીલ દેવેશ ભટ્ટને સિવિલ અને ક્રિમીનલ કન્ટેમ્પ્ટનો દોષિત ઠેરવીને ત્રણ મહિનાની સાદી કેદ અને 1 લાખનો દંડ 6 અઠવાડિયામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *