
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે. આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે 5 ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી છે. આ દિવસે તેમણે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.
અમિત શાહ 2 હજાર 258 દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે. તેમણે 30 મે 2019 ના રોજ પીએમ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન પહેલી વાર આ પદ સંભાળ્યું હતું. આ પછી, 2024 માં સરકારની રચના પછી પણ તેઓ આ પદ પર રહ્યા. અડવાણી પછી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભ પંતે સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળ્યું છે.
એક તરફ, અડવાણીએ 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી કુલ 2 હજાર 256 દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી. બીજી તરફ, પંતે 10 જાન્યુઆરી 1955 થી 7 માર્ચ 1961 સુધી આ પદ સંભાળ્યું હતું. એટલે કે તેઓ કુલ 6 વર્ષ 56 દિવસ ગૃહમંત્રી રહ્યા હતા. ખાસ વાત એ છે કે શાહ દેશના પહેલા સહકારી મંત્રી પણ છે. આ પહેલા તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.
દિલ્હીમાં મંગળવારે આયોજીત એનડીએ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહના યોગદાનની પ્રશંસા કરી. પીએમ મોદીએ ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેવા પર અમિત શાહને શુભેચ્છા આપી. મહત્વનું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રીના રૂપમાં અમિત શાહના કાર્યકાળ દરમિયાન ભારતની આંતરિક સુરક્ષામાં મોટા ફેરફાર થયા છે.